અમદાવાદ પૂર્વથી ભાજપના લોકસભાના ઉમેદવાર હસમુખ પટેલે આજે વિજયમુહૂર્તમાં તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. ફોર્મ ભર્યા પહેલા તેમણે વિશાળ રેલી યોજી હતી જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. જીતના આત્મવિશ્વાસ સાથે વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને 12.39એ તેમણે જિલ્લા પંચાયત ખાતે તેમનુ લોકસભા માટેનું નામાંકન પત્ર ભર્યુ હતુ. તેમના ડમી ઉમેદવાર તરીકે પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ AMTSના ચેરમેન બાબુભાઈ ઝડફિયા અને AMCના શાસક પક્ષના પૂર્વ નેતા ભાસ્કર ભટ્ટે ફોર્મ ભર્યુ હતુ. આ તકે તેમની સાથે ગોરધન ઝડફિયા, શહેર ભાજપ પ્રભારી સંજય પટેલ અને જયસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી જગદિશ પંચાલ, અમિત શાહ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.ફોર્મ ભરતા પહેલા તેમણે બાપુનગર ખાતેના મધ્યસ્થ કાર્યાલયે જઈ ધારાસભ્યો અને શહેરના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ તમામે તેમને જીતની શુભેચ્છા પાઠવી હતી. જે બાદ બપોરે 12.39 એ લાલ દરવાજા ખાતે આવેલા જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ હસમુખ પટેલ ઉમેદવારી નોંધાવી હતી.
અમદાવાદ પૂર્વથી ભાજપે સતત બીજીવાર હસમુખ પટેલ પર વિશ્વાસ મુક્તા તેમને રિપીટ કર્યા છે. જેમની સામે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે. હિંમતસિંહ 2002-03માં અમદાવાદ શહેરના મેયર પદે રહી ચુક્યા છે. તેમજ બાપુનગર વિધાનસભાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.
2019ની લોકસભા ચૂંટણીમાં અહીથી હસમુખ પટેલ 4.31 લાખ મતોથી વિજેતા થયા હતા. તેમણે કોંગ્રેસના ગીતાબેન પટેલને 4 લાખ 34 હજાર 930 મતોથી માત આપી હતી. ત્યારે આજે પણ તેમણે જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓ અમરાઇવાડીથી 2 વાર ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. 11-11-1960 ના રોજ જન્મેલા હસમુખ કડવા પટેલ સમાજમાંથી આવે છે. તેઓ એએમસીમાં 2 ટર્મ કોર્પોરેટર પણ રહ્યા છે. એસ્ટેટ કમીટી અને વોટર સપ્લાય કમીટી ચેરમેન તરીકે કાર્યરત હતા. છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં ફરજ બજાવે છે. આ પહેલા 1 વખત તેઓ સાંસદ રહી ચૂક્યા છે.
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં વટવા, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર,દેહગામ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાનો સમાવેશ થાય છે. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસતા હોવાથી આ વિસ્તાર મીની ઈન્ડિયા તરીકે પણ જાણીતો છે. તમામ જ્ઞાતિ, ધર્મ અને ભાષાના લોકો અહીં વસે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો, સૌરાષ્ટ્ર તેમજ ડાયમંડના વેપારીઓનો બહોળો વર્ગ છે. એક જમાનામાં અહીં કાપડની મીલો ધમધમતી હતી.