હાલ અમદાવાદ શહેરમાં જાહેર વાહનવ્યવહાર માટે BRTS અને AMTS બસ સેવા તથા મેટ્રો રેલ સેવા ઉપલબ્ધ છે. હવે આ સુવિધામાં વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે. BRTS, AMTS અને મેટ્રો રેલ બાદ હવે અમદાવાદ શહેરની વચ્ચોવચ આવેલી સાબરમતી નદીમાં હવે વોટર મેટ્રો દોડશે. આ માટે સરકારી તંત્રએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની સાબરમતી નદીમાં વોટર મેટ્રોનું ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કામગીરી થશે. જે માટે સરકારી તંત્રએ કોચી વોટર મેટ્રો કંપનીને ફીઝીબીલીટી રિપોર્ટ માટે ઓર્ડર આપી દીધો છે. આ કોચી વોટર મેટ્રો કંપનીએ નદીમાં વોટર મેટ્રો માટે સ્ટડી રિપોર્ટની કામગીરી શરૂ કરી દીધી છે.
હવે આ કોચી વોટર મેટ્રો કંપની આગામી એક થી બે માસમાં સ્ટડી રિપોર્ટ આપશે. આ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. રિપોર્ટ બાદ કન્સલ્ટન્સી માટે કાર્યવાહી હાથ ધરાશે. સાથે જ રિવરફ્રન્ટ પાર્ટ -2 બાદ પાર્ટ -3નું પણ કામ શરૂ થશે, આમ વાસણાથી ગીફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટ લઈ જવાનું સરકારનું આયોજન છે.