અમદાવાદમાં રીક્ષાની મુસાફરી ફરી મોંઘી થશે, CNG મોંઘો થતાં લઘુત્તમ ભાડું રૂ. 30 કરવા માગ ઊઠી

By: Nation Gujarat Team
02 Aug, 2026

Ahmedabad Auto Rickshaw Fare Hike 2026 : અમદાવાદ શહેરમાં રિક્ષાની મુસાફરી ફરી એકવાર મોંઘી બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અગાઉ જૂન મહિનામાં રિક્ષાભાડામાં સત્તાવાર રીતે વધારો કરાયો હતો, પરંતુ તાજેતરમાં CNG ના ભાવમાં ફરીથી 4 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવતા ઓટોરિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશન દ્વારા લઘુત્તમ ભાડું 5 રૂપિયા વધારીને 30 રૂપિયા કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. જો ભાડામાં વધુ વધારો થશે તો નોકરિયાત, મધ્યમ અને વિદ્યાર્થી વર્ગનું માસિક બજેટ ખોરવાઈ જશે.

જૂન મહિનામાં થયો હતો ભાડા વધારો

અમદાવાદમાં ગત 22 જૂનના રોજ યોજાયેલી રેટ કમિટીની બેઠકમાં સત્તાવાર રીતે રિક્ષાનું લઘુત્તમ ભાડું વધારીને 25 રૂપિયા કરવામાં આવ્યું હતું. પરંતુ હવે સીએનજીના ભાવમાં 4 રૂપિયાનો સીધો વધારો થતાં જૂના ભાડામાં રિક્ષા ચલાવવી અશક્ય બની ગઈ છે. એસોસિએશને જણાવ્યું છે કે ટ્રાન્સપોર્ટ કમિશનરે દર વર્ષે રેટ રિવ્યુ કમિટી રચવાની હોય છે, પરંતુ વર્ષ 2022 પછી કમિટીની નિયમિત રચના થઈ ન હતી.

સ્પેરપાર્ટ્સ અને સીએનજી મોંઘા થવાથી મુશ્કેલી

સીએનજીના સતત વધતા ભાવ તેમજ સ્પેરપાર્ટ્સના ભાવમાં થયેલા વધારાના પગલે રિક્ષાચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉ કેટલાક ચાલકો દ્વારા બિનસત્તાવાર રીતે ભાડામાં વધારો કરી દેવાયો હતો, ત્યારે હવે સત્તાવાર રીતે મિનિમમ ભાડું 30 રૂપિયા કરવા રજૂઆત કરાઈ છે. જો આ વધારો મંજૂર થશે તો સામાન્ય જનતાના કિસ્સા પર આર્થિક ભારણ વધુ વધશે.


Related Posts

Load more