Marriage Certificate: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ રાજ્યમાં પ્રથમ વખત ફોટો અને QR કોડ સાથે લગ્ન સર્ટીફિકેટ આપવાની નવી વ્યવસ્થાનો આજથી પ્રારંભ કર્યો છે. આ પહેલના કારણે હવે નાગરિકોને વધુ સુરક્ષિત, આધુનિક અને સરળ સેવા મળશે. આ નવી સેવાની શરૂઆત મેયર, પદાધિકારીઓ અને ધારાસભ્યોની હાજરીમાં કરવામાં આવી હતી.
અત્યાર સુધી લગ્ન સર્ટીફિકેટમાં દંપતીનો ફોટો સામેલ કરવામાં આવતો ન હતો અને સર્ટીફિકેટ મેળવવા માટે લોકોને કચેરીના અનેક ધક્કા ખાવા પડતા હતા. હવે AMCએ સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ અને પેપરલેસ બનાવી છે. નવી વ્યવસ્થા હેઠળ અરજદારોને જરૂરી તમામ દસ્તાવેજો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાસપોર્ટ સેવા જેવી નિશ્ચિત તારીખ અને સમય આપવામાં આવશે, જેમાં અરજદારે કચેરીમાં હાજર રહી લગ્ન સર્ટીફિકેટ મેળવવાનું રહેશે.
સર્ટીફિકેટની શક્યતાઓમાં ઘટાડો
નવી સિસ્ટમમાં લગ્ન સર્ટીફિકેટ પર QR કોડ પણ આપવામાં આવશે. આ QR કોડ સ્કેન કરીને સર્ટીફિકેટની સત્તાવાર અને વિગતોની તરત જ ચકાસણી કરી શકાશે. જેના કારણે નકલી સર્ટીફિકેટની શક્યતાઓમાં ઘટાડો થશે અને દસ્તાવેજોની વિશ્વસનીયતા વધશે. AMCની આ પહેલ ગુજરાતમાં ડિજિટલ ગવર્નન્સ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી જ ટેક્નોલોજી આધારિત સેવાઓ અન્ય નાગરિક સેવાઓમાં પણ અમલમાં મૂકવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.