Ahmedabad News : અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના એક અધિકારીએ આત્મહત્યા કરી લીધી છે. મનોજકુમાર પૂજારા નામના આ અધિકારી વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં આવેલા તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મનોજકુમાર પૂજારા લોકલ ફંડના નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં એકલા રહેતા હતા. આજે સવારે જ્યારે તેમનો ડ્રાઈવર તેમને લેવા આવ્યો ત્યારે તેણે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. વારંવાર પ્રયાસ કરવા છતાં દરવાજો ન ખુલતા, ડ્રાઈવરે આ અંગે ગાંધીનગરના જૂના સચિવાલય સ્થિત કચેરીમાં જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશતા મનોજકુમાર પૂજારાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સરકારી વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતદેહ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ અધિકારીએ શા માટે આટલું આત્યંતિક પગલું ભર્યું તે અંગેની હકીકત બહાર આવી શકે.