હાર બાદ કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજીનામું આપી દીધું

By: nationgujarat
25 Nov, 2024

Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ નબળા પરિણામોના કારણે પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજીનામું આપી દીધું છે. નાના પટોલેએ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનની જવાબદારી લીધી છે અને પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે નાના પટોલેનું રાજીનામું હજુ સુધી સ્વીકારવામાં આવ્યું નથી. તેઓ પાર્ટીના અધ્યક્ષ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસમાં આવનારા કેટલાક દિવસોમાં વિખવાદ વધુ તીવ્ર બની શકે છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડ઼ગે સહિત ઘણાં નેતાઓએ આ પરિણામોની વિગતવાર સમીક્ષા કરવાની વાત કરી છે.

કોંગ્રેસને માત્ર 16 બેઠકો મળી શકી

કોંગ્રેસ નેતા નાના પટોલે પોતે આ ચૂંટણી માંડ 208 મતોથી જીતી શક્યા હતા. આ ઉપરાંત બે અન્ય વરિષ્ઠ નેતાઓ પૃથ્વીરાજ ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટને પણ હારનો સામનો કરવો પડ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 16 બેઠકો મળી શકી હતી. કોંગ્રેસ એક સમયે મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી હતી, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી તેની સ્થિતિ ઘટી રહી છે. તેમ છતાં આ વખતે માત્ર 16 બેઠકો પર અટવાયેલો ચોંકાવનારો છે.

અમારું નેતૃત્વ નબળું છે’ 

કોંગ્રેસના નેતાઓ કહે છે કે અમે હાર પર ચિંતન કરીશું. આ દરમિયાન નાના પટોલે રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે પાર્ટીમાં અંદરોઅંદર લડાઈ ચાલી રહી છે. કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે પણ શનિવારે જ કહ્યું હતું કે, ‘ભાજપ અને તેના સાથી પક્ષોને લાડલી બહેન યોજના, આરએસએસ અને નેતાઓની મહેનતથી ફાયદો થયો છે. અમારું નેતૃત્વ નબળું છે.’ નાના પટોલેએ કહ્યું કે, ‘ભલે અમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યો હોય, અમે મહેનત કરીશું. અમે સરકારને તેના વચનો યાદ કરાવતા રહીશું જેથી લોકોને લાભ મળે.’


Related Posts

Load more