હવે મારાથી જીવાતું નથી, હારી ગયો છું’ ઘેલાણીના છેલ્લા શબ્દો:7 પાનાનાં એફિડેવિટમાં ચોંકાવનારા ખુલાસા,

By: Nation Gujarat Team
28 Feb, 2026

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં મુખ્ય આરોપી પૂનમ ભદોરિયાએ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી છે. આ અરજીના વિરોધમાં આજે એટલે શુક્રવારે પોલીસ અને મૂળ ફરિયાદીના વકીલ કલ્પેશ દેસાઈ દ્વારા સાત પાનાની વિસ્તૃત એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. આ સોગંદનામામાં પૂનમ દ્વારા તુષાર ઘેલાણીને આપવામાં આવેલા માનસિક ત્રાસ અને મિલકત પડાવવાની લાલચના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. જોકે, બોમ્બની અફવાને કારણે તપાસ અધિકારી હાજર ન રહી શકતા હવે વધુ સુનાવણી શનિવારે હાથ ધરાશે.

‘હવે મારાથી જીવાતું નથી, હું હારી ગયો છું’ એફિડેવિટમાં સૌથી ચોંકાવનારો ખુલાસો તુષાર ઘેલાણીના છેલ્લા શબ્દો અંગે કરવામાં આવ્યો છે. દીકરીના લગ્નના એક દિવસ અગાઉ પૂનમનો ફોન આવ્યા બાદ તુષાર ઘેલાણી અત્યંત હતાશ થઈ ગયા હતા. જ્યારે પરિવારે પૂછ્યું ત્યારે તેમણે ભીની આંખે જણાવ્યું હતું કે, “પૂનમ મને લગ્નમાં આવીને ભવાડા કરવાની અને બદનામ કરવાની ધમકી આપી રહી છે. તે વારંવાર મિલકત અને નાણાંની માંગણી કરે છે. આ લગ્ન પ્રસંગ પતી જાય બસ, હવે મારાથી જીવાતું નથી, હું હારી ગયો છું.”

દીકરીઓએ પૂનમના ઘરે જઈ પિતાને છોડી દેવા વિનંતી કરી પોલીસ એફિડેવિટ મુજબ, તુષાર ઘેલાણીની કથળતી માનસિક સ્થિતિ જોઈને તેમની બંને દીકરીઓ સ્વયં પૂનમ ભદોરિયાના ઘરે ગઈ હતી. દીકરીઓએ પૂનમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તે તેમના પિતાને હેરાન કરવાનું બંધ કરે. તેમ છતાં પૂનમની જીદ અને મિલકતની ભૂખ ઓછી થઈ નહોતી. ઉલટાનું, પૂનમે દીકરીઓને પણ ધમકી આપી હતી કે જો મિલકતમાં હિસ્સો નહીં મળે તો તે તેમના પિતાનું જીવવાનું હરામ કરી દેશે.

શાળામાં ભાગીદારી અને કરોડોની દુકાનો પચાવ્યાનો આક્ષેપ એફિડેવિટમાં પૂનમની આર્થિક લાલચનો પણ ઉલ્લેખ છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પૂનમે તુષાર ઘેલાણીને ઇમોશનલ બ્લેકમેલ કરીને પેપીલોન શાળામાં 50 ટકા ભાગીદારી મેળવી લીધી હતી. એટલું જ નહીં, શાળામાંથી નફાની સાથે તે પગાર પણ વસૂલતી હતી. આ ઉપરાંત, ઉમરા ઝોનમાં આવેલી અંદાજે 1.07 કરોડની કિંમતની બે દુકાનો પણ પોતાના નામે કરાવી લીધી હતી, જેના માટે તેણે કોઈ પણ નાણાકીય ચુકવણી કરી નહોતી.

હોસ્પિટલમાં આરોપી બહેનોએ અસભ્ય વર્તન કરી ઝઘડો કર્યો તુષાર ઘેલાણીના આપઘાતના પ્રયાસ બાદ જ્યારે તેમને મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે પણ આરોપી પૂનમ અને તેની બહેન પ્રિયા ચૌહાણ ત્યાં પહોંચી ગયા હતા. એફિડેવિટમાં જણાવાયું છે કે, હોસ્પિટલમાં તુષારના પત્ની પલ્લવી અને અન્ય પરિવારજનોની હાજરીમાં આ બંને બહેનોએ અત્યંત અસભ્ય વર્તન કર્યું હતું અને ઉશ્કેરાટ ફેલાવીને ઝઘડો કર્યો હતો, જે તેમની ગુનાહિત માનસિકતા દર્શાવે છે.


Related Posts

Load more