સુરતના શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 20 ફાયર ફાઇટર ઘટનાસ્થળે

By: nationgujarat
26 Feb, 2025

Fire in Surat Textile Market :  સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. મંગળવારે આગ લાગ્યા બાદ ફરી એકવાર ભીષણ આગ લાગી છે. મંગળવારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તબક્કે વાયરિંગમાં શોર્ટસર્કિટ અથવા ખરાબીના લીધે આગ લાગી હોઇ શકે છે. શિવશક્તિ ટેક્સટાઇલના પ્રથમ માટે આવેલી 10 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઇ છે. હાલમાં અવર-જવર બંધ કરી દેવામાં આવી છે.

20 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાના કારણે કરોડો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઇ ગયો છે. અનેક દુકાનો આગની ચપેટમાં આવી ગઇ છે. આગ એટલી ભયાનક છે કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આસપાસના વિસ્તારોમાં ધુમાડો પ્રસરી ગયો છે.

મંગળવારે પણ લાગી હતી આગ

સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી. આગની લાગવાના સમાચાર મળતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. આગના કારણે ભારે ધુમાડાને ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ગૂંગળામળના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઇ હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગના લીધે ધુમાડાના ગોટેગોળા જોવા મળ્યા હતા.


Related Posts

Load more