સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા જોલી ગ્રુપના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં રોજ રોજ નવા ફણગાઓ ફૂટી રહ્યાં છે. દુષ્પ્રેરણાના ગુના હેઠળ ધરપકડ કરાયેલી તુષાર ઘેલાણીની સ્ત્રીમિત્ર પૂનમ ભદોરીયાની જામીન અરજીમાં પણ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. પૂનમના વકીલે કોર્ટમાં દલીલો કરતા હાજર સૌ કોઈ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણકે મૃતક તુષાર ઘેલાણી જમણેરી હતા તો પછી જમણા કાન પાસેથી ગોળી બહાર કેવી રીતે નીકળે…? તેમજ પોલીસે તુષારભાઈના પરિવારના સભ્યોના નિવેદનો શા માટે નથી નોંધ્યા..? તેવા આક્ષેપો સાથે આક્ષેપિત પૂનમબેન તરફે જામીન અરજીની દલીલો કરવામાં આવી હતી. આ આખી ઘટના હત્યા હતી અને તેને આત્મહત્યામાં ફેરવવાના આક્ષેપો પણ થતા હાજર સૌકોઈ ચોંકી ઉઠ્યા હતા. સરકાર પક્ષે આ દલીલોનો જવાબ આપવા માટે મુદત માંગવામાં આવી હતી.
તુષાર ઘેલાણીએ આત્મહત્યા કરી લેતા સ્ત્રીમિત્ર સામે ગુનો નોંધાયો હતો મળતી માહિતી પ્રમાણે, સિટીલાઈનની સંગમ સોસાયટીમાં રહેતા તુષાર હરજીભાઈ ઘેલાણીએ ગત 1 ફેબ્રુઆરીના રોજ ઘરમાં ગોળી મારી લીધી હતી અને હોસ્પિટલમાં સારવાર બાદ તા. 5મીના રોજ તેમનું મૃત્યુ થયું હતું. આત્મહત્યાને લઈને તુષારભાઈની પુત્રી તન્વીએ વેસુમાં રહેતી પૂનમ ભદોરિયાની વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે પૂનમની સામે આત્મહત્યાની દુષ્યેરણનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.
મૃતકને લાગેલી ગોળીની સાઈડને લઈ પૂનમના વકીલ દ્વારા સવાલ કરાયો પૂનમે જામીન મુક્ત થવા માટે એડવોકેટ વિનય શુક્લા મારફતે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં વકીલ દ્વારા દલીલો કરાઈ હતી કે, તુષારભાઈ જમણેરી હતા અને તેઓ પોતાની રોજિંદી કામગીરી તેમજ લખાણ અને બીજા અન્ય કામો જમણા હાથે કરતા હતા. તો પછી તુષારભાઈને ડાબા કાનેથી ગોળી વાગીને જમણા કાન પાસેથી કેવી રીતે નીકળી? તે શંકા ઉપજાવે છે. ફરિયાદ પક્ષ દ્વારા જે મિલકતો પચાવી પાડવાની વાત કરાઈ છે, તેમાં રજિસ્ટ્રાર સમક્ષ તુષારભાઈએ પોતાની સ્વેચ્છાએ અને સાક્ષીઓની સ્વેચ્છાએ મિલકતો ટ્રાન્સફર કરી છે.
ડાબા કાન પાછળના ભાગે ગોળી મારી દીધી ને સામેની દીવાલે અથડાઈ પોલીસ તપસામાં સામે આવેલી વિગત મુજબ તુષારભાઈએ પોતાની લાઇસન્સવાળી લામા (LLAMA) જર્મન મેડ રિવોલ્વર વડે ડાબા કાનની પાછળના ભાગે ગોળી મારી દીધી હતી. ગોળી એટલી નજીકથી અને જોરથી મારવામાં આવી હતી કે એ માથું ફાડીને આરપાર નીકળી ગઈ હતી અને સામેની દીવાલ સાથે અથડાઈને નીચે પડી હતી.
એક ગોળી લોડ થયેલી હતી, પણ મેગઝિન નહોતી ઉમરા પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એક અત્યંત ચોંકાવનારી વિગત સામે આવી છે. તપાસ દરમિયાન પોલીસને તુષારભાઈના રૂમમાંથી જે રિવોલ્વર મળી એમાં મેગઝિન ઇન્સર્ટ કરેલું નહોતું. સામાન્ય રીતે પિસ્તોલમાં મેગઝિન ન હોય તો એને ખાલી માનવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં રિવોલ્વરની ચેમ્બરમાં એક ગોળી પહેલેથી જ લોડ થયેલી હતી.
પોલીસે ઘેલાણી પરિવારના સભ્યોના નિવેદન ન લીધાની રજૂઆત આત્મહત્યાને લઈને તુષારભાઈના પરિવારમાં ફરિયાદી સિવાય અન્ય કોઈ વ્યક્તિ જેમ કે તેઓના ભાઈ, પિતા સહિતનાઓના નિવેદનો કેમ નથી લેવાયા? તુષારભાઈએ રાત્રે એક વાગ્યે આત્મહત્યા કરી તો તેઓને સૌથી પહેલા કોણ અને કેવી રીતે હોસ્પિટલ લઈ ગયું? તે અંગે પણ પોલીસે યોગ્ય તપાસ કરી નથી. અરજદાર પૂનમે તો ઘટનાને લઈને સૌપ્રથમ પોલીસને જાણ કરીને આ ઘટનાની યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી, અને ત્યારબાદ ત્રાહિત વ્યક્તિના કહેવાના કારણે તુષારભાઈની પુત્રીએ ફરિયાદ કરી અને પોલીસે ગુનો પણ નોંધી દીધો? જે શંકા ઉપજાવે છે.
બચાવ પક્ષ દ્વારા સાંસદ મોહન ડેલકરના કેસનું ઉદાહરણ અપાયું સ્કૂલ બાબતે જે આક્ષેપો થયા છે, તેમાં તુષારભાઈની સંમતિથી પાર્ટનરશિપ ડીડ બન્યા છે અને તેઓની મિલકતમાં જ તેઓ લાંબા સમય સુધી રહ્યા છે તો પછી મિલકત પચાવી પાડવાની વાત કેવી રીતે કહી શકાય? બચાવપક્ષ દ્વારા સાંસદ મોહન ડેલકર સહિતનાઓના આત્મહત્યાઓના ઉદાહરણો આપીને હત્યાની ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા અને અરજદાર પૂનમબેનને જામીન મુક્ત કરવાની માંગ કરાઈ હતી. બચાવપક્ષની દલીલો બાદ મુખ્ય જિલ્લા સરકારી વકીલ દ્વારા સમય માંગવામાં આવતા કોર્ટે અરજી મંજૂર કરીને આવતીકાલની મુદત આપી હતી.