સાપ પર પગ દેવાઈ ગયો છે, અહીં ન આવતા’:શેતાન શૈલેષે તકિયાથી બેડ પર પત્નીનું મોં દબાવી દીધું

By: Nation Gujarat Team
18 Nov, 2025

ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે 6 નવેમ્બરે થોડી ચહલ પહલ હતી. આમ તો અવાવરુ જેવી આ જગ્યામાં ખાસ કોઈની અવર જવર જોવા મળતી નથી. પરંતુ એ દિવસે ત્યાં અચાનક માટીના ડમ્પર આવે છે. આ દરમિયાન એક બીટ વનરક્ષક ફોરેસ્ટ વિભાગના ક્વારટર પાછળ આવેલા ખાડા તરફ જવા લાગ્યો, પરંતુ સામેથી અચાનક જ અવાજ આવ્યો તમે અહીં આવતા નહીં મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને તે કરડી જશે. જો કે તે વ્યક્તિનો સાપ પર પગ નહોતો આવ્યો પણ એક ખતરનાક ખૂની ખેલને છુપાવવા માટેની માત્ર એક ટ્રીક હતી.

5 નવેમ્બર, 2025ની સવાર હતી. હજુ તો સુરજ દાદા ઉગી રહ્યા હતા અને ફોરેસ્ટ કોલોનીમાં શાંતિ છવાયેલી હતી અને ઘણાં લોકો ઉંઘમાં હતા. બરાબર આ જ સમયે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ ક્વાટરમાં એક ખતરનાક ષડ્યંત્રને અંજામ આપવાની તૈયારીઓ થઈ રહી હતી. આ તૈયારીઓ બીજા કોઈએ નહીં પણ એક વર્ષ પહેલાં જ પ્રમોશન લઈને ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) બનેલા શૈલેષ ખાંભલાએ કરી હતી. આગળ જતા આ ભયંકર અને ધ્રુજાવી દેનારી ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનવાની હતી.

શૈલેષ ખાંભલાના પરિવારમાં પત્ની નયના, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા હતા. જો કે તેઓ સુરતમાં રહેતા હતા. પરંતુ બાળકો અને પત્ની દિવાળી વેકેશનમાં 27 ઓક્ટોબરના રોજ ભાવનગર ખાતે આવ્યા હતા. શૈલેષ ઘરમાં જેવી પત્ની અને સંતાનોની એન્ટ્રી થઈ એ સાથે નયના અને શૈલેષ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. 4 દિવસ સુધી દંપતી વચ્ચે ખૂબ માથાકૂટો ચાલી. જેથી શૈલેષમાં છુપાયેલા એક શેતાનનો જન્મ થઈ ગયો.

5 નવેમ્બરની સવારે બન્ને પતિ-પત્ની બેડમાં સુતા હતા ત્યારે લગભગ સવારના 7 વાગ્યા હતા. આ સમયે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આ ઝઘડો એટલી હદે વધ્યો કે તેના બેડ પર પડેલા તકિયો લઈ શૈલેષે પત્ની નયનાનું મોઢું દબાવી દીધું. થોડીવારમાં જ નયના નિશ્ચેતન થઈને બેડ પર કાયમી માટે ઉંઘી ગઈ. ત્યાર બાદ અલગ રૂમમાં ઉંઘી રહેતા તેના પુત્ર-પુત્રીના રૂમમાં પહોંચ્યો, શૈલેષ પર હવે હેવાન સવાર થઈ ગયો હતો અને તે કંઈપણ વિચાર કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે રૂમમાં જઈ પહેલાં પુત્ર ભવ્ય(9 વર્ષ)નું મોં તકીયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથા(13 વર્ષ)નો પણ એ જ રીતે જીવ લઈ લીધો.

ત્રણેયની લાશ નિકાલ કરવા પ્લાનિંગ ઘડી. 8.30 વાગ્યે ખેલ પૂરો કરી દીધો 7 વાગ્યે વ્હાલસોયા સંતાનો અને પત્નીને પતાવી દીધા બાદ તેણે ત્રણેયની લાશનો નિકાલ કરવાનું પ્લાનિંગ ઘડી કાઢ્યું. આ પ્લાનિંગ મુજબ તેણે અગાઉ ખાડા તો ખોદાવી જ રાખ્યા હતા. પરંતુ હવે તેમાં લાશ મૂકવા અને પછી તેને દાટવા માટેનો પ્લાન બનાવ્યો. શૈલેષે એક બાદ એક ત્રણેયની લાશને ક્વાટરથી માત્ર 20 ફૂટના અંતરે ફોરેસ્ટના સ્ટાફ પાસે ખોદાવેલા ખાડામાં બન્નેના મૃતદેહ નાંખી દીધા. હવે તેણે ઘડિયાળ તરફ નજર કરી તો તે 8.30નો સમય બતાવતી હતી. ડેડબોડી ખાડામાં નાંખી દીધા બાદ માથે ગાદલું અને એક બારણું પણ નાંખી દીધું.

શેતાન બનેલો શૈલેષ આટલું કામ પતાવી ઘરેથી નીકળી ગયો. તે ભાવનગરમાં જ હતો પણ ઘરે ન આવ્યો. ત્યાર પછી તે 7 નવેમ્બરે ભરતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો જ્યાં તેણે પત્ની, પુત્ર અને પુત્રી ગુમ થયાની જાણવા જોગ નોંધાવી. તે 12 નવેમ્બર સુધી નોકરી પર જતો હતોઅને 12 તારીખ બાદ રજા મૂકીને સુરત ગયો.

પોલીસે આ જાણવા જોગના આધારે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી. જેમાં પત્ની નયનાબેન ,દીકરી પૃથા તથા દીકરો ભવ્યના ફોટો-આધાર કાર્ડ વગેરે માહિતી મેળવી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલેસ મેસેજથી મોકલી આપવામાં આવ્યો હતો.

સિક્યુરિટીએ કહ્યું મેં તો તેના પત્ની કે બાળકોને જોયા નથી 8 નવેમ્બરના રોજ ગુમ થયેલા નયનાબેનનો મોબાઇલ નંબરના સીડીઆર મંગાવવામાં આવ્યા. આ દરમિયાન ACF શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશન જઈને જણાવ્યું કે તેની પત્ની અને બાળકો એક રિક્ષામાં ગયા હોવાનું સિક્યુરિટીએ જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસે સિક્યુરિટીની પૂછપરછ કરતા બાળકો કે પત્નીને જોયા ન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ ફોરેસ્ટ કોલોનીમાં આવેલા ઘર બહારના સીસીટીવી, સરકારી સીસીટીવી કેમેરામાં પણ નજરે ન ચડતા પોલીસે શૈલેષ ખાંભલા પાસે તેની પત્ની જે મોબાઈલ ઘરે મૂકી જતા રહ્યા હતા તેના ઉપર આવેલા મેસેજનો સ્ક્રીનશોટ મંગાવી તેમાં મેસેજમાં જણાવેલી બાબત અંગે પરિવારના અન્ય સભ્યોની વધુ પૂછપરછ કરી હતી.

મેસેજ ડ્રાફ્ટમાં જ પડ્યો રહ્યો ને શૈલેષનું કામ તમામ થઈ ગયું શૈલેષે વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યો. જેમાં તે બીજા સાથે રહેવા માટે જાય છે તેવી વાત લખી હતી.જો કે આ મેસેજ કોઈને સેન્ડ થયો નહીં કારણ કે ફોન એરોપ્લેન મોડમાં જ હતો. આ મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા તે મિસમેચ આવ્યો હતો. જેના આધારે પોલીસને પતિ પર શંકા પડી અને આખો કેસ ઉકેલી લીધો હતો.

પોલીસે RFOને પૂછ્યું ને એક બાદ એક રહસ્યો ખુલવા લાગ્યા આ સાથે જ પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં આવતા પોલીસે શૈલેષનો મોબાઈલ ટ્રેસ કરી તેમાં ગુમ થયેલી તારીખથી લઈ આજ સુધીની કોલ ડિટેઇલમાં કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાર વાત થયાનું જણાઈ આવતા તે નંબરના વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતા અમિત વાણિયા હોવાનું સામે આવ્યું. તેઓ ફોરેસ્ટમાં જ આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને 2 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવા જણાવ્યું હતું.

2 નવેમ્બરે ખાડા કરવા સૂચના આપી, પછી માટી નંખાવી ત્યાર બાદ 15 નવેમ્બરના રોજ RFO ગિરીશ વાણીયાનું નિવેદન લેવામાં આવ્યું. જેમાં તેમણે જણાવ્યું કે, શૈલેષે તેના ક્વાટર પાસે 2 નવેમ્બરે માણસો અને જેસીબી દ્વારા ખાડા કરાવી આપવા સુચના આપી. ત્યારબાદ આ જ ખાડાને ફરી બુરવા માટે શૈલેષે સુચના આપી. આ સુચનાને પગલે વનરક્ષક વિશાલ પનોતે બે ડમ્પર મોરમ (ટાશ) મગાવી ખાંભલા જ્યાં ખાડા કર્યા હતા ત્યાં બુરાવી તે જગ્યા સમતલ કરાવી હતી. જેને લઈને શૈલેષ પર શંકા પ્રબળ બની હતી.

ACF ખાંભલા સાહેબના કવાટર પર મોરમની જરૂર છે’ આ ખાડા બાબતે વધુ તપાસ માટે 15 નવેમ્બરના રોજ વિશાલ પનોતને પોલીસે નિવેદન આપવા બોલાવ્યા. જેમાં તેમણે જણાવ્યું કે, 6 નવેમ્બરે સવારના 8.35 વાગ્યે પોતાના મોબાઇલ ફોન ઉપર RFO મીત વાણીયાએ ફોન કરી કહ્યું કે, ACF ખાંભલા સાહેબના કવાટર પર મોરમની જરૂર છે. બે ડમ્પરની વ્યવસ્થા કરવાની છે તેમ કહેતા કુલદિપસિંહ નામના ડમ્પરવાળાને ફોન કરી બે ડમ્પર મોકલવા જણાવ્યું હતું. આ પછી સવારે 10 વાગ્યે ડમ્પર વાળાનો ફોન આવ્યો, જેથી પોતે તથા RFO વાણીયાનો ડ્રાઇવર સંજય રાઠોડ બન્ને ફોરેસ્ટ કોલોની ખાતે ગયા અને ACF ખાંભલાને ફોન કરી ડમ્પર ક્યાં નાખવાના છે તેમ પૂછતા કહ્યું હું આવુ છું.

‘તમે અહીં આવતા નહીં મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને તે કરડી જશે’ ત્યાર બાદ થોડીવારમાં શૈલેષ ખાંભલા આવ્યો અને તેને ડમ્પર ક્યાં ખાલી કરવાના છે? તેમ પૂછતા તેણે કહી દીધું કે, આ ડમ્પર પાછળ લઇ લો. જ્યાં તેના કવાટરની બાજુમાં ડમ્પરને લેવામાં આવ્યું. આ દરમિયાન શૈલેષ પણ ક્વાટર પાછળ થઈને જ્યાં ડમ્પર નાંખવાના હતા તે ખાડા બાજુ ગયો. આ દરમિયાન વિશાલ પનોત પોતે પણ ખાડા તરફ જતા હતા ત્યારે શૈલેષે કહ્યું કે, તમે અહીં આવતા નહીં મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને તે કરડી જશે.

‘ખાડામાં રાત્રે એક રોજડુ પડી ગયું હતું એટલે મેં ગાદલું નાંખ્યું’ આ ખાડા પાસે માટીનો ઢગલો પડ્યો હોવાથી વિશાલ પનોતે કહ્યું કે ડમ્પરની શું જરૂર હતી? અહીં માટી પડેલી છે તેનાથી જેસીબીથી પુરાવી દેત ત્યારે ખાંભલાએ કહ્યું કે, ખાડામાં રાત્રે એક રોજડુ(નીલ ગાય) પડી ગયું હોવાથી તેને ખાડામાંથી બહાર કાઢવા માટે મેં ગાદલું નાખી દીધું હતું અને તેના સહારે રોજડું બહાર નીકળી ગયું હતું. ત્યાર પછી જેસીબીથી ખાડાને બુરી દેવાયો હતો.

એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યો ત્યાર પછી તેમણે બે માણસો લાવી જગ્યા સમથળ કરાવી દેજો તેમ કહેતા જગ્યાને સમથળ કરાવી દીધી હતી. 16 નવેમ્બરના રોજ ગિરીશ બલદાણીયાના નિવેદન પ્રમાણે RFO વાણિયા સાહેબના કહેવાથી 2 નવેમ્બરે બપોર પછી જેસીબી લઈ ફોરેસ્ટ કોલોનીમાં એસીએફ ખાંભલાના ક્વાટર પાસે તેના જણાવ્યા પ્રમાણે એક 6.5 ફૂટનો ખાડો અને બીજો 5.5 ફૂટનો ખાડો કરી આપ્યો. 6 નવેમ્બરે ખાડાઓ બુરવા માટે વધુ મોરમ(માટી) મંગાવી ખાડો બુરી દેવાનું કહ્યું જે બાદ મોરમ લઈ અને ખાડાઓ બુરી આપ્યા હતા.

ઘટનાસ્થળે ખોદકામ કર્યું ને એક બાદ એક ત્રણ લાશો નીકળી આ માહિતી અંગે સીટી DySP આર.આર.સિંઘાલને જાણ કરવામાં આવી હતી. જેમાં 16 નવેમ્બરના રોજ બે પંચો હાજર રાખી પંચરોજ કામ કરવામાં આવતા, જેની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા વિડિયોગ્રાફર, આરએફઓ અમિત વાણિયાને સાથે રાખી ઘટનાસ્થળે ખોદકામ કરવામાં આવ્યું. આ દરમિયાન 3 માનવ મૃતદેહ ખાડામાંથી મળી આવતા તેની ઓળખ પરેડ અંગે પરિવારના સભ્યોને બોલાવ્યા. જેમાં આ ત્રણેય મૃતદેહ ખાંભલા પરિવારના જણાઈ આવતા મૃત્યુ અંગે ફરિયાદ નોંધી હતી.

સ્નિફર ડોગ બેડ અને સેટી પલંગ પાસે ગયો ત્યાર બાદ ડોગ સ્કવોડ બોલાવી, જેથી ડોગ શૈલેશના ઘરની આજુબાજુ તથા દિવાલની આજુબાજુ અને ઘરના હોલમાં રહેલા સોફા પાસે, બેડરૂમમાં રહેલા સેટી પલંગ પાસે ગયો. ત્યારબાદ ત્રણેય લાશનો કબ્જો સંભાળી સર ટી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપવામાં આવી. પોસ્ટમોર્ટમ બાદ રાત્રે જ અંતિમવિધિ પણ કરી દેવામાં આવી હતી.

સમગ્ર ઘટના અંગે પોલીસ ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા ખાડામાંથી મૃતદેહ મળી આવતા શૈલેષ ખાંભલા વિરુદ્ધ પરિવારના સભ્યોની હત્યા તેમજ પુરાવાનું નાશ કરવા બાબતે અને પોલીસને ગેરમાર્ગે દોરવવા બાબતનો ગુનો દાખલ કરી હત્યા અંગેના કારણ અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે


Related Posts

Load more