Vatral Anti-social elements : અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે તોફાની તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાનો એક વીડિયો વાઈરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આ ઘટનામાં 9 અસામાજિક તત્વોને રામોલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને બરાબરનો મેથીપાક આપવામાં આવ્યો હતો જાહેર રસ્તા પર જ તેમને પાઠ ભણાવાયો હતો. ત્યારબાદ હવે રાજ્યભરના ગુંડાઓની શાન ઠેકાણે લાવવા અને અસામાજિક તત્ત્વોને કડક મેસેજ પુરો પાડવા માટે આ ઘટનાના આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો છેઆ ઘટનાના આરોપીઓની ગેરકાયદેસર મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાશે. ઘટનાના આરોપી રાજવીર સિંહ બિહોલાના ઘરે તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચી ગયું છે. બુલડોઝર ફેરવતાં પહેલાં ઘરમાંથી સામાન બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોઈપણ ક્ષણે ગેરકાયદે ઘર તોડી નાખવામાં આવી શકે છે. હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
કેટલાક લોકોનો દાવો છે કે બે જૂથ વચ્ચે કોઈ મામલે અદાવતને કારણે આ ઘટના બની હતી. જેમાં વીડિયોમાં જોઈ શકાય છે કે તોફાની તત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં ઘર-મકાન-દુકાનોની આજુબાજુ ઊભેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. સ્થાનિકો કહે છે કે લગભગ 15 થી 20 તોફાનીઓના ટોળાએ આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર બેફામ હુમલા કર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા.
9 આરોપી પકડાયા…
માહિતી અનુસાર આ ઘટનામાં 9 અસામાજિક તત્વોને રામોલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને બરાબરનો મેથીપાક આપવામાં આવ્યો. જાહેર રસ્તા પર જ તેમને પાઠ ભણાવાયો હતો. જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.