મહેસાણામાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધીની જ મંજૂરી, ગ્રીન ફ્ટાકડાના ઉપયોગને જ મંજૂરી આપવામાં આવી

By: Nation Gujarat Team
24 Oct, 2026

દિવાળીના તહેવારો દરમિયાન ફ્ટાકડાથી થતા હવા અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્ટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ અંગે વિવિધ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. જાહેરનામા અનુસાર, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ ઓછું પ્રદૂષણ કરતા માન્ય ગ્રીન ફ્ટાકડાના ઉપયોગને જ મંજૂરી આપવામાં આવી છે. વધુ અવાજ અને ધુમાડો કરતા અને સિરીઝ ફ્ટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બેરિયમનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ફ્ટાકડાઓ પર પણ પ્રતિબંધ રહેશે. ફ્ટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ જ કરી શકશે અને ઓનલાઇન માધ્યમથી ફ્ટાકડાના વેચાણ પર પ્રતિબંધ રહેશે.મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ મયંક પટેલે આ જાહેરનામા મુજબ દિવાળી તથા અન્ય તહેવારો દરમિયાન રાત્રે 8.00 થી 10.00 વાગ્યા સુધી જ ફ્ટાકડા ફોડી શકાશે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન રાત્રે 11.55 થી મધરાતના 12.30 વાગ્યા સુધી જ ફ્ટાકડા ફોડવાની મંજૂરી રહેશે. માત્ર અધિકૃત સંસ્થા દ્વારા મંજૂર કરાયેલા અને નિર્ધારિત ધ્વનિ-સ્તરનું પાલન કરતા ફ્ટાકડાનો જ ઉપયોગ કરી શકાશે. હોસ્પિટલો, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આસપાસના 100 મીટરના વિસ્તારને શાંત વિસ્તાર તરીકે ગણવામાં આવશે. આ વિસ્તારમાં ફ્ટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. આયાતી ફ્ટાકડાના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. પેટ્રોલ પંપ, સીએનજી પંપ તથા અન્ય જોખમી સ્થળોની નજીક ફ્ટાકડાનો સંગ્રહ કરવા સામે પણ પ્રતિબંધાત્મક જોગવાઈઓ કરવામાં આવી છે. આ ઉપરાંત, ચાઈનીઝ ટુક્કલ, આકાશ દીવા અને રોકેટ જેવા ઉડતા સાધનોના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ સામે પણ જાહેરનામામાં નિયંત્રણો દર્શાવવામાં આવ્યાં છે. આ જાહેરનામું તા. 6.11.2026 થી તા.24.11.2026 સુધી તથા ક્રિસમસ, નૂતન વર્ષ દરમિયાન અમલમાં રહેશે. જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર કે મદદગારી કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે કાર્યવાહી કરવા માટે પીએસઆઈ કે તેથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score