દાવોસમાં ટ્રમ્પના જુઠ્ઠાણાની પુતિને પોલ ખોલી નાખી, ગાઝા પીસ બોર્ડ અંગે જુઓ શું કહ્યું?

By: Nation Gujarat Team
22 Jan, 2026

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF)માં ભાગ લેવા પહોંચેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયાએ તેમના દ્વારા પ્રસ્તાવિત ‘ગાઝા પીસ બોર્ડ'(Gaza Peace Board)માં સામેલ થવાનું આમંત્રણ સ્વીકારી લીધું છે. જોકે, ટ્રમ્પના આ દાવા બાદ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ પ્રસ્તાવ પર માત્ર વિચાર કરી રહ્યા છે અને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.

ટ્રમ્પ અને નાટો ચીફ વચ્ચેની મુલાકાત

દાવોસમાં આર્થિક મંચની બેઠકથી અલગ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો(NATO)ના મહાસચિવ માર્ક રૂટે સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગાઝામાં શાંતિ સ્થાપવા માટે બનાવવામાં આવનારા પીસ બોર્ડમાં જોડાવા માટેના મારા આમંત્રણનો સ્વીકાર કર્યો છે.

પુતિને આપ્યો વળતો જવાબ

ટ્રમ્પના આ નિવેદનના થોડા જ સમય બાદ રશિયા તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આવી હતી. જેમાં પુતિને રશિયાની સુરક્ષા પરિષદને જાણકારી આપતા કહ્યું કે, ‘અમેરિકા તરફથી ગાઝા પીસ બોર્ડમાં જોડાવા માટે જે પ્રસ્તાવ મળ્યો છે, તેનો હાલ રશિયાનું વિદેશ મંત્રાલય અભ્યાસ કરી રહ્યું છે. અમે હજુ આ પ્રસ્તાવ પર વિચારણા કરી રહ્યા છીએ. રશિયા આ બાબતે યોગ્ય સમયે જવાબ આપશે.’ આ સાથે જ તેમણે ટ્રમ્પના એ દાવાને નકારી કાઢ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાએ આમંત્રણ સ્વીકારી લીધું છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને ખરીદવા અથવા તેના પર કબજો કરવાના નિવેદનોથી ડેનમાર્ક અને નાટો(NATO) દેશોમાં ખળભળાટ મચ્યો છે. આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને સ્પષ્ટ કર્યું છે કે, ‘ગ્રીનલેન્ડ સાથે જે પણ થાય તે રશિયા માટે ચિંતાનો વિષય નથી અને તેમને આશા છે કે બંને દેશો આ મામલો પરસ્પર ઉકેલી લેશે.’

પુતિને ઐતિહાસિક ઉદાહરણો આપતા નોંધ્યું કે ડેનમાર્ક ભૂતકાળમાં વર્જિન આઇલેન્ડ અમેરિકાને વેચી ચૂક્યું છે, જોકે તેમણે ડેનમાર્કના ગ્રીનલેન્ડ પ્રત્યેના ઐતિહાસિક વલણને ‘ક્રૂર’ ગણાવ્યું હતું. રશિયાએ આ વિવાદથી અંતર જાળવી રાખીને સંકેત આપ્યો છે કે તે આમાં કોઈ દખલગીરી કરવા માંગતું નથી.

શું છે આ ‘પીસ બોર્ડ'(NCAG) અને તેના પર વિવાદ?

ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના વહીવટ અને પુનઃનિર્માણ માટે ‘નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા'(NCAG) હેઠળ એક વિશેષ ‘બોર્ડ ઓફ પીસ’નું ગઠન કર્યું છે, જેમાં ભારત, રશિયા અને પાકિસ્તાન સહિત વિશ્વના 60 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બોર્ડની સભ્યપદ ફીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે, કારણ કે બ્લૂમબર્ગના અહેવાલ મુજબ કાયમી સભ્યપદ મેળવવા માટે દેશોએ 1 અબજ ડોલર(આશરે ₹8400 કરોડ) આપવા પડશે, જોકે વ્હાઇટ હાઉસે આ અહેવાલોને ભ્રામક ગણાવ્યા છે.

 

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ પહેલ સામે નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે તેમાં તૂર્કીયે જેવા દેશોને સામેલ કરાયા છે જેમને ઇઝરાયલ હમાસના સમર્થક ગણે છે. આ બોર્ડમાં ભારતીય મૂળના અને વિશ્વ બેન્કના પ્રમુખ અજય બંગાને પણ સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જે ગાઝાના આર્થિક વિકાસ અને ‘મિરેકલ સિટીઝ’ જેવી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

કયા દેશોએ આમંત્રણ સ્વીકાર્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પીસ બોર્ડ માટે ભારત, ચીન, પાકિસ્તાન, તૂર્કીયે અને કતાર સહિતના ઘણા મહત્ત્વના દેશોને આમંત્રણ મોકલ્યું હતું. અત્યાર સુધી જે દેશોએ આ બોર્ડમાં જોડાવાની સંમતિ આપી છે તેમાં મુખ્યત્વે સાઉદી અરેબિયા, તૂર્કીયે, ઈજીપ્ત, જોર્ડન, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન અને કતારનો સમાવેશ થાય છે.

 

 


Related Posts

Load more