જૂનાગઢ ખાતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં ‘સ્વાભિમાન સંમેલન’ અને ‘લોક દરબાર’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ જીગ્નેશ મેવાણી 26 જેટલા પડતર મુદ્દાઓને લઈ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. મેવાણીએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે, સત્તા સ્થાને બેઠેલા અધિકારીઓ સરકારના નીતિ-નિયમો વિરુદ્ધ જઈને પોતાના ગજવા ભરવા મનસ્વી નિર્ણયો લઈ રહ્યા છે. તમામ બાબત વચ્ચે જીગ્નેશ મેવાણી જ્યારે કલેક્ટરને આવેદન પાઠવવા પહોંચ્યા ત્યારે કલેક્ટર ઓફિસમાં મીડિયાને જવા દેવામાં આવ્યું નથી અને પોલીસ દ્વારા મીડિયાને દૂર રખાયું હતું. લોક દરબારમાં રજૂ થયેલી વિગતો મુજબ જૂનાગઢ જિલ્લા કલેક્ટર તંત્ર, જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે. જીગ્નેશ મેવાણીએ આકરા શબ્દોમાં જણાવ્યું કે, “જૂનાગઢનું તંત્ર સંપૂર્ણપણે ખાડે ગયું છે અને ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. અહીં અધિકારીઓ પર અહંકાર હાવી છે.
નેતાઓ અધિકારીઓને છાવરે છે અને અધિકારીઓ નેતાઓના કાળા કામો પાર પાડે છે. અધિકારીઓ, નેતાઓ અને બિઝનેસમેનોની ત્રિપુટી મળીને આખા જૂનાગઢને લૂંટી રહી છે. ખનીજ માફિયાઓ પાસેથી 44 કરોડ રૂપિયા જેવી માતબર રકમ વસૂલવાની બાકી હોવા છતાં તંત્ર મૌન છે. સરકાર સામાન્ય જનતાને રક્ષણ આપવામાં નિષ્ફળ રહી છે અને ભૂ-માફિયાઓને પ્રોત્સાહન આપી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકા પર પ્રહાર કરતા મેવાણીએ કહ્યું કે, “જનતાના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે ‘થાર’ ગાડી ખરીદવામાં આવે છે, પરંતુ જૂનાગઢની જનતાએ હજુ સુધી આ ગાડી જોઈ પણ નથી.” બીજી તરફ, ભાજપના હોદ્દેદારો અને નેતાઓ દ્વારા શહેરમાં થતા દબાણો સામે કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ દલિત સમાજના ગરીબ ખેત મજૂરો જ્યારે પરિવારના ગુજરાન માટે જમીન ખેડે છે, ત્યારે તેમના પર ‘લેન્ડ ગ્રેબિંગ’ના કેસ કરવામાં આવે છે.તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, જો ભાજપના કાર્યાલય ‘કમલમ’ની તટસ્થ રીતે DLR માપણી કરવામાં આવે, તો ત્યાં પણ પેસકદમી (દબાણ) બહાર આવશે. દામોદર કુંડ અને નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનના કામોમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવસિયા પર સીધો હુમલો કરતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, જેઓ અગાઉ ‘ગુજસીટોક’ ના આરોપી રહી ચૂક્યા છે, તેમને હથિયારના લાયસન્સ આપવામાં આવ્યા છે. અન્ય જિલ્લાના ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને જૂનાગઢના રહેવાસી હોવાના ખોટા દાખલા કાઢી લાયસન્સ અપાયા છે. મેવાણીએ ચેતવણી આપી કે, જો ભવિષ્યમાં જિલ્લામાં કોઈ હિંસા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કલેક્ટરની રહેશે. જરૂરિયાતમંદ લોકોને લાયસન્સ મળતા નથી, જ્યારે ગુંડાઓને છડેચોક છાવરવામાં આવે છે. રાજકોટના દલિત અગ્રણી ડી.ડી. સોલંકી વિરુદ્ધ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત ખોટા કેસો મામલે મેવાણીએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે રાજકોટ DCP જગદીશ બાંગરવા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, જો આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આગામી 14 એપ્રિલના રોજ રાજકોટમાં એક લાખથી વધુ દલિતો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કરશે.તેમણે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પર ગંભીર માનવાધિકાર ભંગના આક્ષેપ કરતા તેમણે કહ્યું કે, આરોપીઓ પાસે અકુદરતી કૃત્યો કરાવવામાં આવે છે અને પોલીસ કસ્ટડીમાં આરોપીઓના પગ ભાંગી નાખવામાં આવે છે. મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે કે આ કરતૂત કરનાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.
લોક દરબારમાં ગીર સોમનાથના એક માસૂમ બાળકનો કિસ્સો પણ સામે આવ્યો હતો, જેનો અકસ્માતમાં પગ કપાઈ ગયો હોવા છતાં 4 મહિનાથી પોલીસે ફરિયાદ નોંધી ન હતી. મેવાણીએ આ બાળક અને તેના પરિવારની રજૂઆત સાંભળી ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. તેમણે જાહેરાત કરી કે, આગામી સમયમાં એવો કાર્યક્રમ યોજાશે જેમાં તમામ સમાજના લોકો પોતાના પ્રશ્નો લઈને આવી શકશે. જો ભ્રષ્ટાચાર અને અન્યાયની આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં જૂનાગઢની સ્થિતિ અત્યંત કપરી બનશે તેવી ચેતવણી સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.