આજથી સુરતના રસ્તાઓ પર દોડશે ગુજરાતની પહેલી પિંક બસ

By: Nation Gujarat Team
20 Nov, 2025

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે તે ઉદેશ્યથી પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલા આ ઈ-ઓટો પ્રોજેક્ટમાં 47 મહિલાઓને રોજગારી મળી હતી. તો બીજી તરફ શહેરમાં દોડતી BRTS બસમાં પણ ફક્ત મહિલાઓ મુસાફરી કરી શકે તે ઉદેશ્યથી પિંક BRTS બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, 20 મહિનાની શોધખોળને અંતે મહિલા ચાલક મળતાં હવે આજથી ગુજરાતની પહેલી સુરતમાં માત્ર મહિલા મુસાફરો માટે દોડનારી પિંક BRTS બસમાં ચાલક પણ મહિલા જ હશે.

મહિલાઓ-યુવતીઓ માટે મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને પ્રદુષણ અટકાવવા માટે શહેરનાં તમામ BRTS રૂટ પર ઈ-બસો દોડાવવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ-યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. 20 મહિના પૂર્વે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પિંક BRTS બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આજથી શહેરના રસ્તાઓ પર દોડશે પિંક BRTS બસ 20 મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતાં આજથી ગુજરાતની પહેલી પિંક BRTS બસ સુરત શહેરનાં રસ્તાઓ પર દોડતી નજરે પડશે. જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કન્ડકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે. પહેલો રૂટ ONGCથી સરથાણા સુધીનો રહેશે જેનું આજે લોન્ચિંગ કરવામાં આવશે.

20 મહિનાની શોધખોળ બાદ મળી મહિલા બસ ચાલક બસમાં મુસાફરી કરનાર મહિલાઓ માટે પણ પિંક બસ દોડાવવા માટે વહીવટી તંત્રને 20 મહિના સુધી લાંબો ઈંતજાર કરવો પડ્યો હતો. 20 મહિનાની શોધખોળને બાદ અંતે ઇન્દોરમાં રહેતી અને બસ ચાલક તરીકે ફરજ બજાવતી મહિલાની નિમણૂંક કરવામાં આવી છે.

નિશા શર્મા સુરતની પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર બની સુરતની BRTS બસનું સ્ટીયરિંગ હવે એક એવી મહિલાના હાથમાં આવ્યું છે. જેણે માત્ર પોતાનું જ નહીં પરંતુ બે બાળકોના ભવિષ્યનું પણ વહન કરી રહી છે. મૂળ ઇન્દોરની રહેવાસી અને સિંગલ મધર એવી નિશા શર્મા સુરતની પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર બની છે.

ચાર વર્ષનો હેવી વ્હીકલ ચલાવવાનો અનુભવ નિશા શર્માએ વર્ષ 2021માં હેવી વ્હીકલ લાઇસન્સ મેળવ્યું હતું. નિશા અગાઉ ઇન્દોરના BRTS રૂટ પર પણ સાડા તેર મીટરની બસ સફળતાપૂર્વક ચલાવતી હતી. તેને લગભગ ચાર વર્ષનો હેવી વ્હીકલ ચલાવવાનો અનુભવ છે. ગત વર્ષે જ્યારે સુરતમાં મહિલા BRTS ડ્રાઈવરની જાહેરાત આવી ત્યારે નિશાએ છાપામાં વાંચ્યું હતું. જોકે, એક સિંગલ મધર હોવાના કારણે નવા શહેરમાં પરિવાર સાથે રહેવું તેના માટે એક મોટો પડકાર હતો.


Related Posts

Load more