વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની શાનદાર સદી અને મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ સામે ન્યૂઝીલેન્ડની ટીમ પીચ પર ટકી શકી નહીં અને હારનો સામનો કરવો પડ્યો, ત્યારે ભારતે 12 વર્ષ બાદ વન ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં એન્ટ્રી લીધી છે. ત્યારે આ જીત બાદ વડાપ્રધાન મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત ઘણા નેતાઓએ ખુશી વ્યક્ત કરી અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે.વડાપ્રધાન મોદીએ જીત પર ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે ભારતે શાનદાર પ્રદર્શન કર્યુ અને શાનદાર અંદાજમાં ફાઈનલમાં પ્રવેશ કર્યો.
ત્યારે મોહમ્મદ શમીની ધારદાર બોલિંગ પર પણ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે આજની સેમીફાઈનલ શાનદાર વ્યક્તિગત પ્રદર્શનના કારણે વધુ ખાસ થઈ ગયુ છે. આ રમતમાં અને વિશ્વકપ દરમિયાન મોહમ્મદ શમીની બોલિંગે ક્રિકેટ પ્રેમીઓ આવનારી પેઢીઓ સુધી યાદ રાખશે. સારૂ રમ્યા શમી.
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભારતના ફાઈનલમાં પહોંચવા પર ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે ઐતિહાસિક વિજય, ન્યૂઝીલેન્ડ પર ભારતની વિરાટ જીતની તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન. આ જીતથી બધા જ લોકો ખુશ છે. ફાઈનલ મેચ માટે શુભકામનાઓ.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ ટીમને શુભકામના પાઠવતા કહ્યુ કે, બસ હવે તો એક જ લક્ષ્ય આપણાં હાથમાં હો વિશ્વ કપ ! ભારતીય ક્રિકેટ ટીમ કરોડો ભારતીયોની આંખોએ જોયેલા સપનાંને વાસ્તવિકતાનો ઓપ આપી રહી છે. ન્યૂઝીલેન્ડ સાથેની આજની રોમાંચકારી મેચ જીતી લીધા પછી હવે કરોડો દેશવાસીઓની નજર માત્ર “વર્લ્ડ કપ” પર છે ! વિરાટ કોહલી, મહંમદ શમી, રવીન્દ્ર જાડેજા અને સમગ્ર ભારતીય ક્રિકેટ ટીમનો જય હો !!