તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શનિવારે (22મી ફેબ્રુઆરી) ટનલની છત ધરાશાયી થયા બાદ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) બચાવ કામગીરીમાં જોડાયા છે, જેમાં આઠ જિંદગી હજુ પણ ફસાયેલા છે. આ ઉપરાંત સેનાએ બચાવ કામગીરી માટે તેના એન્જિનિયર ટાસ્ક ફોર્સ (ETF)ને પણ ઝડપથી તહેનાત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘આધુનિક ટેકનોલોજીથી સજ્જ ETF, અકસ્માત સ્થળે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કામગીરી હાથ ધરી રહ્યું છે.’
ટનલમાં 2 એન્જિનિયર, 2 ઓપરેટર અને 4 શ્રમિકો ફસાયા
આ દુર્ઘટના અંગે તેલંગાણાના સિંચાઈ મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકાર નિષ્ણાતોની મદદ લઈ રહી છે, જેમાં ગયા વર્ષે ઉત્તરાખંડમાં આવી જ ઘટનામાં ફસાયેલા કામદારોને બચાવનારાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, સરકાર સેના અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ની પણ મદદ લઈ રહી છે.
ફસાયેલા લોકોમાં બે એન્જિનિયર અને બે ઓપરેટર છે. બીજા ચાર મજૂરો છે. તે બધા ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ફસાયેલા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ટનલમાં તાજી હવા પૂરી પાડવામાં આવી રહી છે.
પીએમ મોદીએ દુર્ઘટના અંગે માહિતી મેળવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીને ફોન કરીને ઘટનાની માહિતી મેળવી અને બચાવ કામગીરી માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સેનાની એક ટીમ ત્યાં પહોંચી રહી છે.