લેખક – હિરેન કોટક
એનિમલ નામની એક ફિલ્મ હમણાં કરોડોનો વેપાર કરી રહી છે, આ લખવા માટે મેં ગઈકાલે જોઈ પણ ખરી. કરોડોનો વેપાર કરતી આ ફિલ્મ ચાલી રહી છે તે સમાજની સમજની વરવી સ્થિતિનું પ્રદર્શન કરી રહી છે એ નથી સમજાતું. રખે ને એવું સમજતા કે સમાજ આવો બની ગયો છે, ના એવું નથી પરંતુ જે નકારત્મક ઊર્મિઓ ઉછળી રહી હોય તેને ઉત્તેજન અને વાચા આપવાનું કામ કરતી હોય તેવી વાર્તાને યથાર્થ ઠેરવવાનું ચિત્રણ કરવું એટલે એનિમલ જેવી ફિલ્મો બનાવવાની હિંમત કરવી અને તેનું સફળ પણ થવું. હા ફિલ્મો સમાજની સમજનું પ્રતિબિંબ તો ખરું જ પરંતુ એ પ્રતિબીંબ લખાયેલા અક્ષરો છે, એટલે કે જે રીતે દર્પણમાં અક્ષરો ઉલ્ટા ફુલ્ટા વંચાય ત્યારે દર્પણ એટલે કે અરીસા સામે અરીસો રાખીને વાંચીએ તો જ લખ્યું હોય તેનો ખરો અર્થ સમજાય, તેમ જ આપણે પણ જે અવાસ્તવિક ઉર્મિઓ, લાગણીઓ, ઉભરાઓ અને આવેગો ફિલ્મો માં દર્શાવાઈ હોય તેને વાસ્તવિક અર્થ સમજવા વાંચવાનું શરુ કરીએ તો સમાજની ખરી સ્થતિ સમજાઈ શકે.
ચાલો આ બાબત સમજવા આ એનિમલ ફિલ્મનું જ દ્રષ્ટાંત લઈએ, આ ફિલ્મમાં નાયકને પોતાના પરિવારના એકપણ સદસ્ય સાથે કોઈ નાની એવી પણ કુચેષ્ટા કરે તો કાયદાનો ઓથ લેતા પહેલા ચોરીના આરોપીને ફાંસી આપવા જેવો આપખુદ શાહી ન્યાય કરતો બતાવાય છે, શું વાસ્તવિકતામાં કે કાયદાની પરિભાષામાં કે પછી આપના વિચાર મૂજબ પણ આ યોગ્ય છે! નહી તો પછી આ છે શું, આ બતાવાયું શું અને આ બતાવાયું છે શા માટે? આ જે પ્રશ્નો ઉદભવ્યા તેનો સાચો ઉત્તર એટલે મેં કહ્યું તેમ અરીસામાં વંચાતા ઉલ્ટા અક્ષરોને બીજા અરીસામાં વાંચતા મળતો સાચો અર્થ. એ અર્થ એ છે કે જાણે ફિલ્મો તો એ સફળ થાય છે કે જે સમાજના બહુમતી વર્ગની ફેન્ટસી એટલે કે અતૃપ્ત ઈચ્છાઓ અને પરિકલપાનાઓ ફિલ્મી પડદે તાદર્ષ્ય થતી બતાવે , માટે એ હકારત્મક પણ હોઈ શકે અને નકારત્મક પણ જોઈ શકે. નકારત્મક લાગણીઓ તો આવે પરંતુ તેને અમલમાં ન મૂકતા સમસ્યા સામે અવાજ ઉઠાવવા માટે યોગ્ય હોય તે માર્ગ અપનાવે તે મનુષ્ય અને અયોગ્ય માર્ગ અપનાવે તે પશુ (એનિમલ). પરંતુ અહિયાં તો પશુ પણ ન પસંદ કરે તેવા માર્ગ પસંદ કરતા આ એનિમલ ફિલ્મના નાયક ને બતાવાયો છે, અરે ખલનાયક પણ જે ન કરી શકે તેટલા હિંસક થતા, મહીલાઓ સાથે બદકૃત્ય આચરતા અને પરિવારના સભ્યો સાથે અસ્વીકાર્યથી ચાર ડગલાં આગળ વધીને અમાનવીય વ્યવહાર કરતા નાયકને બતાવીને સફળતા મેળવી બતાવતી આ ફિલ્મ આપણા સૌના મોરલ ચિક પર ઠોકાયેલ એક ચમચમતો અને સણ સણતો તમાચો છે. પરંતુ આપણે તો આ ફિલ્મને કરોડો કમાવીને તેમાં મુકાયેલા નકારત્મક વલણને સમર્થન અને સ્વીકૃતિ આપી રહ્યા છીએ. પછી કઈક બનશે એટલે જે સમસ્યાઓની જનેતા તમે જ છો તેવા તમે જ મારી અને અમારી ઉપર ન્યુઝ ચેનલોની ટીવી દીબેટોમાં કોલીંગ લાઇન્સમાં ફોન લગાડી સુફિયાણીઓ વરસાવશો, અને ભૂલી જશો કે તમારા મૌન દ્વારા જ એ સમસ્યાઓને જન્મ અપાયેલ.
ચાલો આપણે આ એનિમલ ફિલ્મના જ કેટલાક દ્રશ્યો વિષે વાત કરીએ, તો ‘કદાચ’ આ પ્રકારની ફિલ્મની ગંભીરતા વધુ ગંભીરતા પૂર્વક સમજાશે.
અમેરિકાનું ગન કલ્ચર ભારતમાં શરુ કરવું છે કે શું:
એમેરિકાનું ગન કલ્ચર ભારતમાં લાવવામાં આ ફિલ્મ ભાગ ભજવી રહી છે એ જી ન સમજાતું હોય તો ફૂટ્યા આપણાં નસીબ, આ ફિલ્મમાં બહેનનું કોલેજમાં રેગિંગ કરનાર સમગ્ર વર્ગ ખંડમાં ઉપસ્થિત અને નિર્દોષ હોય તે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપક ને પણ એકે ૪૭ દ્વારા ધાણીફૂટ ગોળીઓ વરસાવી ખોફ ફેલાવતા નાયકને શાળાનો વિદ્યાર્થી બતાવાયો છે અને સાચો ઠેરવાયો છે.
અંતમાં આ કેટલાક વેધક પ્રશ્નો સ્વયં વિચાર માંગી લેવા તેવા છે, શું આપણે એ બાબતે જાગૃત બની સ્વસ્થ સમાજ અને સભ્ય પેઢીનું નિર્માણ કરીશું?
૧).સેન્સર બોર્ડ ક્યારે સેન્સિટીવ બનશે?
૨). ઝાટકણીબાજ ન્યાયાધીશો ક્યાં ગયા?
૩). દેવી દેવતાઓના અપમાન બાબતે આક્રોશ વ્યક્ત કરનારાઓ ક્યાં ગયા?
૪). ફિલ્મ નિર્માતાઓ માંગો છો તેવું નહી, ચૂપ રહો ત્યાં મનફાવે તેવું પીરસતા રહે છે?
૫). અવાજ ઉઠાવો, બહિષ્કાર કરો, નહીંતો, એનીમલ ફિલ્મ તમારા ઘરોમાં ભજવાશે?
૬). અમેરિકાનું ગન કલ્ચર ભારતમાં શરુ કરવું છે કે શું?
ફિલ્મો સંદેશો ન આપતી હોય અને માત્ર મનોરંજક હોય તો વાંધો નથી પરંતુ દર્શકોને ગેરમાર્ગે દોરે તો તે જવાબદારી વોહિન વ્યવસાય માત્ર બની રહે છે, સેન્સર કરવા જેવી બાબતો એટલે જે તમે તમારા બહેન, દીકરી કે માતા સાથે બેસીને ન જોઈ શકો તેવી તમામ બાબતો. મનુષ્યને મનુષ્ય બનતા કરોડો વર્ષો લાગ્યા પરંતુ જો એનિમલ જેવી પશુતા દર્શાવતી ફિલ્મોનો દ્રઢતા પુર્વક બહિષ્કાર નહિ કરીએ તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા વર્ષોમાં સહન પણ ન થઇ શકે તેવો સમાજ રચાઈ જશે.