કેનેડામાં રહેતા નાગરિકો માટે ભારતે વિઝાનો નિર્ણય ફેરવ્યો

By: nationgujarat
25 Oct, 2023

કેનેડા સાથેના રાજદ્વારી વિવાદ વચ્ચે ભારતે બુધવારે (25 ઓક્ટોબર) કેનેડામાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા, ચાર કેટેગરી માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરી. અગાઉ ભારત સરકારે સપ્ટેમ્બરમાં કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી.

અગાઉ 21 સપ્ટેમ્બરે જ્યારે ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સ્થગિત કર્યા હતા. એ પછી કેનેડામાં રહેતા ભારતીય નાગરિકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ વિઝા મેળવવા માટે ઘણી મથામણ સહન કરી હતી.

ભારતીય ઑફિશિયલ્સે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ‘ઓટાવામાં ભારતના હાઈ કમિશન ને ટોરોન્ટો તથા વાનકુવરમાં તેના કોન્સ્યુલેટ જનરલને સલામતી-સુરક્ષાની વિચારણાને કારણે અસ્થાયીરૂપે વિઝા સેવાઓ સ્થગિત કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે કેટલાંક તાજેતરનાં કેનેડિયન પગલાંને ધ્યાનમાં લેતી સુરક્ષા વિચારણાની સમીક્ષા કર્યા પછી વિઝા સેવાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે…’

હાલમાં જ વિદેશમંત્રીએ કેનેડાના વિઝા મુદ્દે વાત કરી હતી
તાજેતરમાં વિદેશમંત્રી એસ જયશંકરે ભારતે કેનેડામાં વિઝા આપવાનું કેમ બંધ કર્યું એ અંગે વાત કરી હતી. બંને દેશો વચ્ચેના સંબંધો ‘મુશ્કેલ તબક્કા’માંથી પસાર થઈ રહ્યા હોવાનું જણાવતાં મંત્રીએ કહ્યું હતું કે ‘કેટલાંક અઠવાડિયાં પહેલાં, અમે કેનેડામાં વિઝા આપવાનું બંધ કરી દીધું હતું, કારણ કે અમારા રાજદ્વારીઓ માટે વિઝા આપવા માટે કામ પર જવું સલામત નથી, તેથી તેમની સલામતી એ પ્રાથમિક કારણ હતું કે અમારે વિઝાના મુદ્દાને અસ્થાયીરૂપે અટકાવવાનું હતું.’

જયશંકરે એમ પણ કહ્યું હતું કે જો ભારત કેનેડામાં તેના રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોશે તો “ખૂબ જ ટૂંક સમયમાં” કેનેડિયનો માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરવાનું વિચારશે.

21 સપ્ટેમ્બરના રોજ ભારતે બંને દેશો વચ્ચેના રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી. કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ વર્ષે જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય સંડોવણીનો આરોપ લગાવ્યા બાદ તણાવ સર્જાયો હતો. તો બંને દેશો દ્વારા રાજદ્વારીઓની હકાલપટ્ટી બાદ તણાવને વધુ વકરી રહ્યો હતો.


Related Posts