અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના પાલનને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ હાઈવેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક વાહનચાલકો પ્રતિબંધિત હોવા છતાં એક્સપ્રેસ-વે પર બેરોકટોક બાઇક દોડાવતા નજરે પડી રહ્યા છે. ધોલેરા એક્સપ્રેસ-વે બાદ હવે બરોડા એક્સપ્રેસ-વે પર પણ આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતા વાહનચાલકોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
નિયમ મુજબ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર માત્ર ફોર-વ્હીલર (કાર) અને અન્ય ભારે વાહનોને જ ગતિ મર્યાદા સાથે અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ હાઈવે પર વાહનોની સ્પીડ ખૂબ વધારે હોય છે, તેથી બે વ્હીલર એટલે કે બાઇક કે સ્કૂટર જેવા વાહનોના પ્રવેશ પર સખત પ્રતિબંધ છે. આમ છતાં, વાયરલ વીડિયોમાં બાઇક સવારો હાઇવે પર મુક્તપણે ફરતા જોવા મળતા અન્ય મોટા વાહનચાલકો માટે પણ અકસ્માતનું જોખમ વધી ગયું છે.
એક્સપ્રેસ-વે પર બાઇકોની આ પ્રકારની અવરજવરને પગલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને હાઈવેના ટોલબૂથ પર તૈનાત સુરક્ષાકર્મીઓની દેખરેખ સામે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. ટોલબૂથ પર ચુસ્ત સુરક્ષા હોવા છતાં આ બાઇક ચાલકો એક્સપ્રેસ-વે પર કેવી રીતે પ્રવેશી ગયા, તેને લઈને વાહનચાલકોમાં ભારે ચર્ચા જાગી છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો હવે માંગ કરી રહ્યા છે કે આવી જોખમી પ્રવૃત્તિઓ રોકવા માટે ટોલબૂથ પર ચેકિંગ કડક કરવામાં આવે અને નિયમભંગ કરનારા બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે.