આપણા ભારતમાં આવું પણ મંદિર છે જ્યા સૂર્યની કિરણો હિંદુ કેલેન્ડરના બાર મહિના અનુસાર પ્રત્યેક સ્તંભ પર પડે છે

By: nationgujarat
20 Aug, 2023

હજી ઘણા એવા મંદિરો આપણા ભારતમાં છે જેની વાતો સાંભળી આપણને નવાઇ લાગે અને વૈજ્ઞાનિકો તે મંદિર વિષે હજુ પણ અચંબામા છે. આવા જ એખ મંદિરનો ગઇખાલે લેખ પ્રકાશિત કર્યો હતા આવો આજે રવિવારે અન્ય એખ મંદિર વિશે જણાવી દઇએ .

તાજમેહલ નહી આપણા બાળકોને ભારતનો આ ભવ્ય વારસો બતાવા લઈ જાવ. ભારત પાસે આવો ખજાનો છે. આ મંદિરની જ વાત કરો. વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ છે આ મંદિર. અહીં ૧૨ સ્તંભ છે. રોજ સવારે સૂર્યના કિરણો જોઇને કોઇ પણ સાધારણ વ્યક્તિ કહી દે કે હિન્દુ કેલેન્ડરનો કયો મહિનો હાલ ચાલી રહ્યો છે. તો ચાલે જાણીએ એવા અદ્ભૂત મંદિર વિશે.

આપણે જે મંદિરની વાત કરવાના છીએ તેનું નામ છે વિદ્યાશંકર મંદિર ( Vidyashankara Temple ). વિદ્યાશંકર મંદિર કર્ણાટકના શૃંગેરીમાં આવેલું છે. આ વિશાળ મંદિર કર્ણાટકના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોમાંથી એક છે. કહેવાય છે કે વિદ્યારણ્ય નામના ઋષિએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતુ. અહીં આવનાર પ્રવાસીઓ વિવિધ શિલાલેખ જોઈ શકે છે. આ શિલાલેખોમાં ભારતના પ્રસિદ્ધ વિજયનગર સામ્રાજ્યના યોગદાનનો ઈતિહાસ દર્શાવામાં આવ્યો છે.

કર્ણાટકની મુલાકાતે આવતા પ્રવાસીઓએ શૃંગેરીના વિદ્યાશંકર મંદિરની મુલાકાત ચોક્કસ પણે લેવી જોઈએ. આ તીર્થ સ્થળનું નિર્માણ ઈ.સ. 1338માં વિદ્યારણ્ય નામના ઋષિએ કરી હતી. તે વિજયનગર સામ્રાજ્યના સંસ્થાપકોના સંરક્ષક હતા. તે 14મી સદીમાં અહીં વસતા હતા . આ મંદિરમાં તમે દ્રવિડ, ચાલુક્ય, દક્ષિણ ભારતીય અને વિજયનગર સ્થાપત્ય શૈલીને જોઈ શકો છો.

પ્રચલિત એક દંતકથા અનુસાર શૃંગેરી સ્વંય આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત અદ્વૈત મઠોમાંથી એક છે. આઠમી શતાબ્દીથી તેની એક પરંપરા અવિચલ ચાલી રહી છે જે ઈતિહાસમાં નોંધાયેલ છે. શ્રી આદિશંકરાચાર્યના શિષ્ય સરેશ્વરાચાર્ય આ મઠના પ્રથમ પ્રમુખ હતા..

વિદ્યારણ્યનો કર્ણાટક અને દક્ષિણ ભારતના ઈતિહાસમાં એક મહાન વ્યક્તિ તરીકેનો ઉલ્લેખ જોવા મળે છે. તેમના કાળમાં દક્ષિણમાં મુસ્લિમ આક્રમણોની શરૂઆત થઈ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. વિદ્યારણ્યએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તે ઉત્તરમાં મુસ્લિમ આક્રમણકારીઓ વિરુદ્ધ હિંદુ પરંપરાઓ અને મંદિરોની રક્ષા માટે કાર્યરત હતા.

એવું કહેવાય છે કે વિદ્યારણ્યના ભાઈઓ હરિહર અને બુક્કાએ વિદ્યાતીર્થની સમાધિ પર એક મંદિરનું નિર્માણ કરાવ્યું. સમય જતા તે મંદિરને વિદ્યાશંકર મંદિરના નામથી ઓળખવામાં આવે છે.

આ મંદિર વિદ્યાતીર્થની સમાધિની આસપાસ ખૂબ જ સુંદર રીતે બનાવામાં આવ્યું છે. જે એક જૂના રથ સાથે મેળ ખાય છે. આ વિજ્યનગર શૈલીની સાથે સાથે દ્રવિડ શૈલીની સામાન્ય વિશેષતાઓને સાંકળે છે. એક કોતરણીદાર ચબૂતરા પર રહેલ આ મંદિરમાં છ દરવાજા છે.

અહીં રહેલ એક ગર્ભગૃહમાં દેવી દુર્ગા અને ભગવાન વિદ્યાગણેશની મૂર્તિઓ જોઈ શકાય છે. તે ઉપરાંત મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ અવે મહેશની મૂર્તિઓ તેમની પત્ની સાથે ગર્ભગૃહમાં જોવા મળે છે.

આ મંદિરમાં 12 સ્તંભ છે. જે રાશિ ચક્ર તરીકે પ્રખ્યાત છે. જેના પર રાશિચક્રની બાર રાશિઓની આકૃતિ કોતરવામાં આવી છે. જેની રૂપરેખા ખગોળીય અવધારણાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેનું નિર્માણ એટલી સરળ રીતે કરવામાં આવ્યું છે કે સૂર્યની કિરણો હિંદુ કેલેન્ડરના બાર મહિના અનુસાર પ્રત્યેક સ્તંભ પર પડે છે. મંદિરની અંદર સપાટી પર પ્રત્યેક સ્તંભ ની છાયા અનુસાર રેખાઓથી એક વૃત દોરવામાં આવ્યું છે.

મંદિરની મધ્ય છતની વિશેષતા એ છે કે તેના પર સુંદર વાસ્તુકલા પ્રદર્શિત કરવામાં આવી છે. આ સ્થળની છત ઢળાવ વાળા વળાંક માટે ઓળખાય છે. મંદિરના છેક નીચેના ભાગમાં ભગવાન શિવ, વિષ્ણુ , દશાવતાર, શંમુખા, દેવી મહાકાળી અને વિભિન્ન પ્રકારના જાનવરોના સુંદર ચિત્રો છે. આ મંદિરમાં વિદ્યાર્તીર્થ નામના રથોત્સવની પણ ધામધૂમથી ઉજવણી થાય છે. જે કારતક માસમાં આયોજિત થાય છે.


Related Posts

Load more