દેશના ખૂણે ખૂણે સુરતમાં બનેલા તિરંગા લહેરાશે

By: nationgujarat
09 Aug, 2023

ટેક્સટાઇલ સિટી સુરતમાંથી રોજે રોજ 10 લાખ તિરંગા પોસ્ટ વિભાગ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલાઈ રહ્યા છે, ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ પોસ્ટ વિભાગ ઘર ઘર તિરંગા પહોંચાડી સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં સહભાગી બનશે. કેન્દ્રીય કાપડ મંત્રાલયે 1 કરોડથી વધુ તિરંગા તૈયાર કરવા વેપારીઓને જણાવ્યું છે.

સ્વતંત્રતા પર્વને લઈ તડામાર તૈયારી
ટેક્સટાઇલ સિટી સુરતમાં હાલ સ્વતંત્રતા પર્વને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અહીં લાખોનીની સંખ્યામાં ઉદ્યોગકારો તિરંગા બનાવી રહ્યા છે. જે દેશના ખૂણે ખૂણે જશે. માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગ જ આ કાર્ય માટે કાર્યરત નથી, પરંતુ પોસ્ટ વિભાગ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સુરતના પોસ્ટ વિભાગ દ્વારા દરરોજ 10 લાખ તિરંગા દેશનાં અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે, જેથી દરેક ઘરે તિરંગા પહોંચી શકે અને આ વર્ષે પણ ગત વખતની જેમ ઉત્સાહભેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જોવા મળશે.

ફેક્ટરીઓમાં લાખો તિરંગા બની રહ્યા છે
આ વર્ષે પણ સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી થાય એ મુજબની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા આ વર્ષે પણ દરેક શહેર સુધી તિરંગા પહોંચી રહે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એની જવાબદારી ટેક્સટાઇલ સિટી સુરતને સોંપવામાં આવી છે. સુરતના પાંડેસરા, સચિન, ઈચ્છાપોર સહિત ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓમાં હાલ લાખોની સંખ્યામાં તિરંગા તૈયાર કરવામાં આવી રહ્યા છે. રોજેરોજ દેશભરનાં અલગ અલગ રાજ્યોમાં મોકલી શકાય એવી વ્યવસ્થા શરૂ કરી દેવાઈ છે.તિરંગાનું સન્માન જળવાઈ રહે એ રીતે પેકિંગ
કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા 1 કરોડથી પણ વધુ તિરંગા તૈયાર કરવા વેપારીઓને જણાવી દેવામાં આવ્યું છે. આ તિરંગાઓ સુરતમા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે તૈયાર થયેલા આ તિરંગાઓ મોકલવાની જવાબદારી પોસ્ટ વિભાગને આપવામાં આવી છે. સુરતના પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર થયેલા તિરંગાઓનું માન-સન્માન જળવાઈ રહે એ રીતે પેકિંગ કરીને મોકલવાની વ્યવસ્થા કરી છે. છેલ્લા પાંચ દિવસથી રોજેરોજ સુરત પોસ્ટ વિભાગ દ્વારા સરેરાશ 10 લાખ જેટલા તિરંગાઓ જુદાં જુદાં રાજ્યનાં શહેરોમાં પહોંચાડાઈ રહ્યા છે.

પોસ્ટ ઓફિસમાંથી તિરંગાઓ લોકો મેળવી શકશે
પોસ્ટ વિભાગના સુરત ડિવિઝનના ડીવાયએસપી સંજય મિસ્ત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલયનાં ધારાધોરણ મુજબ સુરતમાં તિરંગા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ તિરંગાના પેકિંગથી લઈ એને પહોંચાડવાની જવાબદારી સરકાર દ્વારા પોસ્ટ વિભાગને સોંપવામાં આવી છે, જેને લઈ આ તિરંગાઓ લોકો સુધી પહોંચે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર દેશની પોસ્ટ ઓફિસમાંથી આ તિરંગાઓ લોકો મેળવી શકશે. એ માટે અન્ય રાજ્યોમાં જરૂર હોય ત્યાં તિરાંગાઓ પેકિંગ કરી રોજ ટ્રેન મારફત પહોંચાડવામાં આવી રહ્યા છે. એને લઈ રોજેરોજ 10 લાખથી પણ વધુ તિરંગા મોકલવામાં આવી રહ્યા છે, જેમાં સુરત પોસ્ટ વિભાગના કર્મચારીઓ આ કાર્ય દેશભક્તિના હિતમાં કરી રહ્યા છે.

રજિસ્ટ્રેશન કરાવી તિરંગા મેળવી શકે એવી વ્યવસ્થા
કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા લોકોને ઘરે ઘરે તિરંગા મળી રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકોએ પોસ્ટ વિભાગની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવીને તિરંગાઓ ઘરે મેળવ્યા હતા. ત્યારે ગત વર્ષે લોકોનો ઉત્સાહ જોઈને આ વર્ષે પણ એ જ વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષે પોસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં સવા કરોડ જેટલા તિરંગાઓ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે પણ લોકો પોસ્ટ વિભાગની સાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી તિરંગા મેળવી શકે એવી વ્યવસ્થા કરી છે.


Related Posts