આજે સૈફ અલી ખાનના 53માં જન્મદિવસ,પહેલી જ ફિલ્મમાંથી ડાયરેકટરે કાઠી મુક્યો

By: nationgujarat
16 Aug, 2023

આજથી બરાબર 53 વર્ષ પહેલાં 16 ઓગસ્ટ 1970ના રોજ અભિનેત્રી શર્મિલા ટાગોર અને નવાબ મન્સૂર અલી ખાનના ઘરે પ્રથમ બાળકનો જન્મ થયો હતો, જેનું નામ સૈફ અલી ખાન પટૌડી છે. તે પટૌડી વંશના 10મા નવાબ છે. પિતા નવાબ મન્સૂર અલી ખાને રાજાશાહી હોવાની સાથે-સાથે ક્રિકેટને પણ પોતાનો વ્યવસાય બનાવ્યો હતો, તો બીજી તરફ સૈફે માતા શર્મિલાના પગલે ફિલ્મી દુનિયા પસંદ કરી હતી. પહેલી ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં જ પહેલા દિવસે સેટ પર 7 વર્ષ મોટી અમૃતા સિંહના પ્રેમમાં પાગલ થઇ જતાં ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

આજે સૈફ અલી ખાનના 53માં જન્મદિવસના ખાસ અવસર પર તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ન સાંભળેલી વાતો વાંચો-

બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પટૌડી રજવાડાની શરૂઆત કરી હતી
1804માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પટૌડી રજવાડાની શરૂઆત કરી હતી. ફૈઝ તાલાબ અલી ખાન આ રજવાડાના પ્રથમ નવાબ બન્યા હતા, જેમણે બીજા એંગ્લો-મરાઠા યુદ્ધમાં મરાઠા સામ્રાજ્યને મદદ કરી હતી. તેમના વડવાઓ 16મી સદીમાં લોધી વંશ દરમિયાન ભારતમાં આવ્યા હતા.

સૈફના દાદાએ ભોપાલના છેલ્લા નવાબની દીકરી સાથે કર્યા હતા નિકાહ
બ્રિટિશ ભારતમાં પટૌડી પરિવારનો મોટો દરજ્જો હતો, જોકે 1947માં આઝાદી પછી પટૌડી રજવાડાને નાબૂદ કરવામાં આવ્યું હતું . એ સમયે તેમના શાસક મોહમ્મદ ઇફ્તિખાર અલી ખાન પટૌડી (સૈફ અલી ખાનના દાદા) હતા. જોકે તેમને રાજાશાહીના કેટલાક વિશેષાધિકારો આપવામાં આવ્યા હતા. તેમણે એક ક્રિકેટર તરીકે ઓળખ મેળવી અને ભારતીય ક્રિકેટ ટીમનો પણ ભાગ બન્યા હતા. મોહમ્મદ ઈફ્તિખાર અલી ખાને ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાનની ત્રીજી પુત્રી સાજિદા સુલતાના સાથે નિકાહ કર્યા હતા અને આ રીતે ભોપાલ રાજ્ય સાથે પટૌડી રજવાડાનો સંબંધ જોડાયેલો હતો. આ નિકાહથી ઈફ્તિખારને એક પુત્ર મન્સૂર અલી ખાન (સૈફના પિતા) અને 3 પુત્રી થયાં હતાં.

પિતાના જન્મદિવસે દાદાનું અવસાન થયું
જ્યારે સૈફ અલી ખાનના પિતા મન્સૂર અલી ખાન 11 વર્ષના થયા ત્યારે તેમના દાદા ઈફ્તિખાર તેમના જન્મદિવસ પર પોલો રમતા સમયે મૃત્યુ પામ્યા હતા. 11 વર્ષની ઉંમરે મન્સૂર અલી ખાનની પાઘડીની વિધિ થઈ અને તેમને પટૌડી પરિવારના વડા બનાવવામાં આવ્યા હતા.

સૈફના પિતા મન્સૂર અલી ખાન એક આંખે ક્રિકેટ રમતા હતા
ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરતી વખતે મન્સૂર અલી ખાનને નાનપણથી જ ક્રિકેટમાં રસ પડ્યો હતો અને તેમની પ્રતિભાને કારણે તેમણે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાનું શરૂ કર્યું. 1961માં એક કાર એક્સિડન્ટને કારણે તેમની આંખમાં કાચનો ટુકડો વાગી ગયો હતો, જેના કારણે તેમની એક આંખ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ડોકટરોની મદદથી આંખને બચાવી લેવામાં આવી હતી, પરંતુ એ આંખમાં બધું ડબલ જ દેખાતું હતું. આ સ્થિતિમાં તેમણે 6 મહિના સુધી એક આંખ બંધ રાખીને ક્રિકેટની ટ્રેનિંગ લીધી અને રમતમાં જોરદાર કમબેક કર્યું હતું. પ્રથમ મેચમાં તેમણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 103 રન બનાવ્યા હતા.

26 ડિસેમ્બર 1968ના રોજ નવાબ મન્સૂર અલી ખાન પટૌડીએ હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે નિકાહ કર્યા હતા. લગ્નનાં 2 વર્ષ પછી 16 ઓગસ્ટ 1970ના રોજ તેમના પુત્ર સૈફ અલી ખાનનો જન્મ થયો. સૈફને બે નાની બહેન છે, સબા અલી ખાન (જન્મ. 1976) અને સોહા અલી ખાન (જન્મ. 1978).

સૈફના જન્મના એક વર્ષ બાદ નવાબનો ખિતાબ છીનવાઈ ગયો
સૈફ અલી ખાનના જન્મના એક વર્ષ પછી એટલે કે 1971માં ભારત સરકારે પટૌડી રજવાડાના છેલ્લા નવાબ મન્સૂર અલી ખાનને નવાબ શીર્ષકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

પિતાની સિગારેટ સાથે રમવા બદલ પડ્યો હતો ઢોરમાર
સૈફ અલી ખાન બાળપણથી જ ખૂબ જ જિદ્દી અને તોફાની સ્વભાવનો હતો. તેનો ઉછેર ઘણા સેવકો વચ્ચે થયો હતો. પિતા દરરોજ સિલ્વર થાળીમાં હસ્તલિખિત નોટ તેમના સેક્રેટરી મારફત સૈફ માટે મોકલતા હતા, જેમાં લખેલું હતું કે તમારા પિતા તમને ભણતા જોવા માગે છે.

મન્સૂર અલી ખાન સિગારેટ પિતા હતા, સૈફ બાકીની કળીઓ સાથે નિશાન બનાવવાની પ્રેક્ટિસ કરતા હતા. ભોપાલમાં તે તેની હવેલીમાં તેના પિતાની ફેંકી દેવાયેલી સિગારેટ ઉપાડતો અને એને ફેંકી દેતો અને એરગન વડે ગોળીબાર કરતો. એકવાર પિતાએ તેને આવું કરતા જોયો તો તેમણે સૈફને બેલ્ટ વડે માર માર્યો હતો.

પહેલા જ દિવસે અમૃતાના પ્રેમમાં પડ્યો, ડિરેક્ટરે તેને ફિલ્મમાંથી કાઢી નાખ્યો
વર્ષ 1991માં સૈફ અલી ખાનને રાહુલ રવૈલે ફિલ્મ ‘બેખુદી’ માટે કાસ્ટ કર્યો હતો. તનુજાની દીકરી કાજોલ પણ આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી હતી.

2 વર્ષ સુધી ડેબ્યૂ માટે રાહ જોવી પડી
સૈફ અલી ખાને યશ રાજ પ્રોડક્શનની ફિલ્મ પરંપરાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, પહેલી ફિલ્મ હાથમાંથી નીકળી ગયાનાં બે વર્ષ પછી, જોકે આ ફિલ્મ કોઈ ખાસ કમાલ બતાવી શકી નહોતી. ત્યાર બાદ સૈફે ‘આશિક આવારા’, ‘પહેચાન’, ‘ઈમ્તિહાન’ જેવી ઘણી ફિલ્મો કરી, પરંતુ બધી ફ્લોપ રહી હતી. આખરે, સૈફે મલ્ટીસ્ટારર ફિલ્મ ‘યે દિલ્લગી’થી ઓળખ મેળવી અને ‘મૈં ખિલાડી તૂ અનારી’, ‘તૂ ચોર મૈં સિપાહી’, ‘સુરક્ષા’ જેવી મલ્ટીસ્ટારર ફિલ્મો સાથે ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી હતી.13 વર્ષ પછી અમૃતા સિંહથી અલગ થઈ
સૈફ અને અમૃતા સિંહના નિકાહના થોડા સમય બાદ જ તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી અને વર્ષ 2004માં બંને અલગ થઈ ગયા હતા. કેટલાક અહેવાલો અનુસાર, તેમના બ્રેકઅપનું કારણ ઇટાલિયન મોડલ રોઝા કેટાલાનો હતું. સૈફે અમૃતાને છૂટાછેડા માટે 5 કરોડ રૂપિયા ચૂકવવાના હતા, પરંતુ પૈસાની અછતને કારણે તે માત્ર 2.5 કરોડ રૂપિયા જ ચૂકવી શક્યો. આ સિવાય સૈફે પુત્ર ઈબ્રાહિમ 18 વર્ષનો થાય ત્યાં સુધી અમૃતાને મહિને 1 લાખ રૂપિયા આપ્યા હતા.


Related Posts

Load more