ગુજરાતમાં 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી ચોજાવાની છે. ત્યારે આજે સોમવારે એક બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી એસ.જયશંકરે ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારી પત્ર ભર્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિદેશ મંત્રી એસ જયશંકર ઉમેદવારી નોંધાવવા માટે ગુજરાત વિધાનસભા ખાતે આવી પહોંચ્યા હતા.તેમણે 12-39એ વિજયમૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું, તે સમયે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમજ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.
કોંગ્રેસના 17 ધારાસભ્યો એટલે મેદાનમાં નહીં ઉતરે
રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રત્યેક ઉમેદવારને 60.66 મત એટલે કે 62 મતની જરૂરિયાત છે. ભાજપના ઉમેદવારને જીત મેળવવા માટે ભાજપના 52 ધારાસભ્યોના મતની જરૂરિયાત છે. બીજી તરફ કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ માત્ર 17 છે ત્યારે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભા નથી રાખવાના તેવા સંજોગોમાં ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.
ઓગસ્ટમાં 3 સાસંદોનો કાર્યકાળ પૂરો થાય છે
આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે આ મહિનાની 24 તારીખે ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશમંત્રી એસ.જયશંકર આવતીકાલે બપોરે 12:39 વાગ્યે ફોર્મ ભરશે.
ગુજરાત ભાજપના સિનિયર નેતા રાજ્યસભા ઉમેદવાર બની શકે છે
ગુજરાતમાં તારીખ 24 જુલાઈ, 2023ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્રણ સીટ માટે યોજાનારી આ ચૂંટણી ભાજપને ફાળે જ જશે. કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી, એવા સંજોગોમાં આ તમામ બેઠક પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ શકે છે. ત્રણ બેઠક પૈકી એક બેઠક પર એસ. જયશંકરને ભાજપ રિપીટ કરશે, જ્યારે બાકીની બે બેઠક માટે ઓબીસી તથા ક્ષત્રિય નેતાની પસંદગી થાય એવી સંભાવના છે. જોકે અંતિમ ઘડીએ ભાજપ સરપ્રાઈઝ આપે તો નવાઈ નહીં, પરંતુ મળતી માહિતી મુજબ, ભાજપ રાજ્યસભામાં ગુજરાતના એક સિનિયર નેતાને લઈ જવા માગે છે.