એશિયા કપ 2023માં ચાહકો માટે આવતીકાલે (10 સપ્ટેમ્બર) ખૂબ જ ખાસ દિવસ છે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો બીજી વખત આમને-સામને થશે. આ મેચ એશિયા કપમાં સુપર-4 રાઉન્ડ હેઠળ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં યોજાશે, જે ભારતીય સમય અનુસાર બપોરે 3:00 વાગ્યાથી રમાશે.
બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાની ટીમે આ મેચ માટે એક દિવસ પહેલા જ તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી દીધી છે. પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ દરમિયાન જ તેના પ્લેઇંગ-11ની જાહેરાત કરી શકે છે. ભારતીય કેપ્ટન મેચમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે.
વાસ્તવમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમ સાથે જોડાઈ ગયો છે. તે પારિવારિક કારણોસર નેપાળ સામેની મેચમાં રમી શક્યો નહોતો. તે મેચમાં બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમી રમ્યો હતો. હવે બુમરાહના આગમનથી શમી કે મોહમ્મદ સિરાજને બહાર થવું પડશે. જોકે સિરાજના આઉટ થવાની પ્રબળ શક્યતા છે.
બીજી તરફ વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ પણ ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈને ટીમ સાથે જોડાઈ ગયો છે. તેણે વિકેટકીપિંગની પણ ઘણી પ્રેક્ટિસ કરી છે. માનવામાં આવે છે કે રાહુલને પ્લેઇંગ-11માં પણ સામેલ કરવામાં આવી શકે છે, પરંતુ ટેન્શન એ છે કે તેના માટે કયા ખેલાડીને પડતો મુકવામાં આવશે. ડાબોડી બેટ્સમેન ઈશાન કિશને પાકિસ્તાન સામેની ગ્રુપ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને ફિફ્ટી ફટકારી હતી.
આવી સ્થિતિમાં ચોથા નંબર પર બેટિંગ કરી રહેલા શ્રેયસ અય્યર પર તલવાર લટકતી જોવા મળી રહી છે. શ્રેયસે પાકિસ્તાન સામેની ગ્રુપ મેચમાં બેટથી સારું પ્રદર્શન કર્યું ન હતું. આમ છતાં ટીમ મેનેજમેન્ટ આ બેટ્સમેનને બીજી તક આપવા માંગે છે. શ્રેયસ અય્યરના રમવાના કિસ્સામાં કેએલ રાહુલને મેચમાંથી બહાર બેસવું પડી શકે છે.
ભારતીય ટીમે એશિયા કપની પ્રથમ બે મેચમાં ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને રમાડ્યો છે. પરંતુ શાર્દુલ બેટિંગમાં શ્રેષ્ઠતા દાખવી શક્યો નથી. જોકે શાર્દુલનું ODI-T20માં બેટથી પ્રદર્શન અસરકારક રહ્યું નથી. આવી સ્થિતિમાં તેના સ્થાને ઓલરાઉન્ડર અક્ષર પટેલને વધારાના સ્પિનર તરીકે રમાડવામાં આવી શકે છે.