શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા- મોરડુંગરાનો ૪૦ મો પાટોત્સવ પરમ ઉલ્લાસભેર ઊજવાયો.

By: nationgujarat
02 Nov, 2023

પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તાલુકાનું મોરડુંગરા – સાંપા ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પરમોચ્ચ સ્થાન છે. કુણ નદીના કાંઠે વસેલા મોરડુંગરા ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આજથી ૪૦ વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. ઉતરોત્તર હરિભક્તોની સંખ્યા વધતાં ૨૧ વર્ષ પહેલાં વિશાળ જમીન લઇ નૂતન મંદિરમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને બિરાજમાન કર્યા હતા.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં પંચમહાલ, દાહોદ અને જિલ્લામાં દિવ્ય પાવનકારી અધ્યાત્મ વિચરણ દરમ્યાન અનેક ગામડાઓમાં પધરામણીઓ, વ્યસન મુક્તિ સભાઓ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મોરડુંગરામાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના ૪૦ મા પાટોત્સવ પર્વે ષોડશોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટ, આરતી, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો, અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદ, મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેસક્યુ ટીમના સદસ્યોને શીલ્ડ એનાયત વગેરે આધ્યાત્મિક કાર્યક્રમો સુસંપન્ન થયા હતા.

આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે ભગવાન ભજવા માટે તેમજ જીવનમાં શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવા માટે મંદિરોના નિર્માણ કર્યા છે. ત્રિવિધ તાપને ટાળવા માટે ભગવાનનું ભજન, કથાવાર્તા, સત્સંગ જરૂરી છે. જીવનમાં સુસંસ્કાર, સદ્ગુણોની વૃદ્ધિ થઈ શકે તેવા ઉમદા હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું છે. આ અણમોલા અવસરનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં હરિભક્તો અને ભાવિકો ઉમટ્યા હતા.


Related Posts

Load more