સુરતમાં સ્વામીનારાયણ ગાદી સંસ્થા દ્વારા શાકોત્સવ તથા “સ્વામિનારાયણ” મહામંત્રની ૨૨૨ મી જયંતીની ભવ્ય ઉજવણી

By: nationgujarat
01 Jan, 2024

કરૂણાસાગર શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીએ બ્રહ્માંડમાં પધારીને ભકતજનોને અનેકવિધ ઉત્સવો દ્વારા અત્યાનંદ આપ્યો છે. શ્રીહરિના સમ્રગ ઉત્સવોમાં શાકોત્સવનું સ્થાન સહુથી અનેરૂ – મહત્વનું હોવાનું ગણાય છે.

શાકોત્સવ એટલે શ્રીહરિની અનેકવિધ લીલાઓ પૈકીની એક લીલાનું સ્મરણ, સંતો ભક્તોનું સ્નેહ મિલન. શાકોત્સવ આનંદ ઉત્સવરૂપ હોય છે. શ્રી હરિના દિવ્ય શાકોત્સવનું સ્મરણ પુનઃ થાય અને ભકિતનું બળ વિશેષ વૃદ્ધિને પામે તે માટે શાકોત્સવનું આયોજન થાય છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને શાકોત્સવ કરીને લોકદૃષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને અમર કરી દીધું. એ સમયે પ્રભુએ રીંગણાનું શાક બનાવીને સંતો તેમ જ હરિભક્તોને પીરસ્યું હતું. પ્રભુએ એ નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પીરસ્યા હતા.’ ૨૦૨ વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરાની સોડમ દરિયાપાર પણ પહોંચી ગઈ છે. ‘શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મણિનગર અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, કલોલ, પંચમહાલ સહિત ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી, માઉન્ટ આબુ તેમજ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, યુકે, આફ્રિકા, દુબઈ સહિતનાં સ્થળોએ આવેલાં મંદિરોમાં શાકોત્સવ ઉત્સાહપૂર્વક ઊજવાય છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી, મહંત શ્રી નિત્યપ્રકાશદાસજી સ્વામી, મહંત શ્રી દિવ્યદર્શનદાસજી સ્વામી, શ્રી ધર્મતનયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા દેશવિદેશના અસંખ્ય હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતા સભર શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
પૂજનીય સંતોએ અને સત્સંગી હરિભક્તોએ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી શિબિકામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી, ઓચ્છવ કરતાં કરતાં, બાળકોના હાથમાં વિવિધ ભાષામાં “સ્વામિનારાયણ” મહામંત્ર લેખન, વિવિધ શાક અને ફળોથી સજાવટ કરેલા સ્ટેજ પાસે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને પધરાવ્યા હતા. યુવા ભકતોએ કીર્તન સ્તવન કરી અને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. પૂજનીય સંતોએ શાકોત્સવ પર્વ તથા “સ્વામિનારાયણ” મહામંત્રની ૨૨૨ મી જયંતી (તારીખ પ્રમાણે)નો ઈતિહાસ વગેરે અધ્યાત્મસભર મહિમા ગાન કર્યું હતું. તો વળી, શાકોત્સવના આનંદદાયી અવસરે સૌ ભકતો આરતી ઉતારી અને પરમ ઉલ્લાસભેર ભક્તિભાવથી ઉજવણી કરી હતી.

આ પ્રસંગે સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ ૨૦૨ વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રિય સખા ભક્ત સુરાખાચરના ગામ લોયામાં શાકોત્સવ કર્યો હતો એ લીલાનું આબેહૂબ વર્ણન કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રીંગણાનું શાક તો દરેક હરિભકતોના ઘરે થતું હોય છે. પણ શાકોત્સવમાં બનાવેલ રીંગણાનું ઘીના વઘાર સાથેનું શાક એ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદરૂપ હોય છે. જેને મેળવવો એ પણ ભાગ્યની વાત ગણી શકાય છે. વર્ષો પૂર્વે લોયા ગામે સુરા ખાચરના ભાવથી શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે ઘીના વઘાર સાથેનું રીંગણાનું શાક, શાકોત્સવ ઉત્સવમાં ફેરવાઈ ગયેલ છે. સત્સંગમાં પોતાના સ્વભાવ મૂકીને ભગવાનની ભકિત કરવી. અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.


Related Posts

Load more