Surat : મોટા વરાછામાં પ્રથમ વરસાદમાં જ 400 મીટરનો રસ્તો બેસી ગયો

By: Nation Gujarat Team
30 Jun, 2026

સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને કરોડોના ભ્રષ્ટાચારની પોલ ચોમાસાના પ્રથમ વરસાદે જ ખોલી નાખી છે. સુરતના લાઈમલાઈટ ગણાતા મોટા વરાછા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને તંત્રને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં કરોડોના ખર્ચે બનેલો આશરે 400 મીટર લાંબો આખો રસ્તો પહેલા જ સામાન્ય વરસાદમાં પત્તાના મહેલની જેમ બેસી ગયો છે. રસ્તા પર એક-બે નહીં પરંતુ આખેઆખી કાર સમાઈ જાય તેવડા મોટા 4 થી 5 ભયાનક ભુવા પડતાં સ્થાનિકોમાં પાલિકા સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

ડ્રેનેજ કામગીરીના નામે મોટો ભ્રષ્ટાચાર?

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા જ પાલિકા દ્વારા આ મુખ્ય રસ્તા પર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. ડ્રેનેજનું કામ પૂરું થયા બાદ રસ્તાનું પ્રોપર કાર્પેટિંગ કે પુરાણ ન કરાયું હોવાથી, વરસાદી પાણી ભરાતા જ આખો રોડ નીચે બેસી ગયો હતો. રસ્તાની આવી બદતર હાલત જોઈને વાહનચાલકો પણ ફફડી ઉઠ્યા હતા. સદનસીબે જ્યારે આ રસ્તો બેસી ગયો ત્યારે કોઈ વાહન ત્યાંથી પસાર ન થતું હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

તંત્ર દોડતું થયું, રસ્તો કરાયો બંધ

આ ઘટના વાયરલ થતાં જ સુરત પાલિકાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ 400 મીટરના આખા માર્ગને વાહનવ્યવહાર માટે ડાયવર્ટ કરી બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં જેસીબી સહિતની ભારે મશીનરીઓ ઘટનાસ્થળે મંગાવીને યુદ્ધના ધોરણે રસ્તાના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે, સ્માર્ટ સિટી સુરતમાં સામાન્ય વરસાદમાં જ આખો રસ્તો ધોવાઈ જતાં પાલિકાના કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોની કામગીરી પર જનતા હવે ગંભીર સવાલો ઉઠાવી રહી છે.


Related Posts

Load more