સુરતનો જબરો કિસ્સો; વહૂને સોનાના દાગીના આપવા સાસુ બની ગઈ ‘ચોર’, કેવી રીતે થયો પર્દાફાશ?

By: Nation Gujarat Team
14 May, 2026

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા ભાડૂઆતે પોતાની પુત્રવધૂને સોનાના દાગીના ભેટમાં આપવાની ઘેલછામાં ઘરમાલિકના ઘરમાં જ હાથફેરો કર્યો હતો. શિક્ષિકાના ઘરમાંથી 18 લાખની ચોરી કરનાર આ મહિલા ભાડૂઆતની કતારગામ પોલીસે ધરપકડ કરી છે.

શું હતી સમગ્ર ઘટના?
કતારગામ વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે શિક્ષિકા એવા મહિલા અને તેમના પતિ જ્યારે પોતાના કામ પર ગયા હતા, ત્યારે આ ચોરીની ઘટના બની હતી. શિક્ષિકા સ્કૂલે ગયા હતા અને તેમના પતિ એમ્બ્રોઈડરીના કારખાને ગયા હતા. આ દરમિયાન તેમનો દીકરો ઘરના રૂમને લોક કરવાનું ભૂલી ગયો હતો. ઘરમાં જ ભાડે રહેતી મહિલાએ આ તકનો લાભ ઉઠાવ્યો હતો.

ચોરીનો પર્દાફાશ કેવી રીતે થયો?
થોડા દિવસો બાદ જ્યારે શિક્ષિકાએ પોતાનો કબાટ ચેક કર્યો, ત્યારે તેમાંથી સોનાના કિંમતી દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. ઘરના સભ્યો સિવાય કોઈ બહારની વ્યક્તિનું આવવું-જવું ન હોવાથી, શિક્ષિકાને ઘરમાં જ ભાડે રહેતા દંપતી પર શંકા ગઈ હતી. શિક્ષિકાએ તાત્કાલિક કતારગામ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસે ભાડૂઆત દંપતીને બોલાવી કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં આનાકાની કર્યા બાદ, મહિલા ભાડૂઆતે પોલીસની પૂછપરછમાં ભાંગી પડી હતી અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

પુત્રવધૂ પ્રત્યેનો પ્રેમ કે ગુનાહિત માનસિકતા?
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ મહિલાનું નામ ઉષા ટાંક છે. તેણે કબૂલાત કરી હતી કે તેના પુત્રએ લવમેરેજ કર્યા હોવાથી, તેને પુત્રવધૂને સોનાના દાગીના આપવા હતા. આ ઈચ્છા પૂરી કરવા માટે તેણે ચોરીનો રસ્તો અપનાવ્યો. કતારગામ પોલીસે આરોપી મહિલા પાસેથી રૂ. 9.92 લાખના સોનાના દાગીના કબજે કર્યા છે અને તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઘરમાં ભાડૂઆત રાખતી વખતે પૂરતી સાવચેતી અને પોલીસ વેરિફિકેશન કેટલું જરૂરી છે.

Related Posts

Load more