વ્યાજખોરોના રી-કન્સ્ટ્રક્શનમાં મૃતક સુરતી વેપારીની પત્ની ધ્રૂસકે-ધ્રૂસકે રડી,

By: Nation Gujarat Team
21 Mar, 2026

સુરતના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને મોટા વરાછાના હીરા વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. મૃતકે આપઘાત કરતા પહેલા પોતાની પત્નીના મોબાઈલમાં એક હૃદયદ્રાવક વીડિયો રેકોર્ડ કરી પોતાની વેદના ઠાલવી હતી. આ મામલે ઉત્રાણ પોલીસે ત્રણ વ્યાજખોર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બે વ્યાજખોરને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ આ બંનેને મૃતક હીરા વેપારીના ઘરે લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન બંને વ્યાજખોર ખુલ્લા અને લંગડાતા પગે ચાલતા જોવા મળ્યા હતા. આ સાથે મૃતકની પત્નીએ બીજા કોઈ સાથે આવું ન કરે તેવી મોટી સજા આપવા માટે બે હાથ જોડીને પોલીસને અપીલ કરી હતી.

11મી માર્ચે વેપારીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી મળતી માહિતી પ્રમાણે મોટા વરાછામાં બ્લુબેલ રેસિડેન્સીમાં રહેતા અને મિની બજારમાં હીરાનો વ્યવસાય કરતા મિતેષભાઈ મિયાણીના ભાઈ સંદીપભાઈએ ગત 11મી માર્ચના રોજ ગોપીનગામ સર્કલ પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. પરિવાર જ્યારે શોકમાં હતો ત્યારે 16મી માર્ચના રોજ સંદીપભાઈની પત્ની અસ્મીતાબેનને તેમના મોબાઈલમાંથી એક વીડિયો મળી આવ્યો હતો.

મૃતક વેપારીએ આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો વીડિયોમાં સંદીપભાઈએ ધુસકે-ધુસકે રડતાં જણાવ્યું હતું કે, હું જાવ છું, તારો ભાઈ તને છોડીને જાય છે, હવે મમ્મી-પપ્પા બધાને છેલ્લા સીતારામ, અસ્મીતા આઈ લવ યુ, છોકરાને સંભાળજે. હીરૂ, દક્ષુ અને દીશુને. તને બહુ યાદ કરૂ છું. તારા વગર રહેવું નથીં પણ મારે જવું પડે એમ એમ છે, આપડી ગાડી બુધા પાસે છે તે લઈ લેજે, ઘરેણું મારામાં વિશાલ એટલે કે ફોનમાં તેનો નંબર છે તેની પાસે છે ગામનો અને હું જેને કહું તેને સજા મળવી જોઈએ, એક તુષાર હસ્તક ડેનીશ સુરતી, બીજો રંઘોળા ગામનો સહદેવે જે અનિરૂધ્ધ હસ્તક છે અને ત્રીજો તુષાર હસ્તક સંજય ઉર્ફે વિજય ભરવાડ છે. આ બધાએ બહુ તંગ કર્યો છે, આઈ લવ યુ મીતેશ તું બધું સંભાળી લેજે. આ વીડિયો અંગે પોલીસને જાણ કરાઈ હતી.

પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સંદીપભાઈએ સહદેવ પાસેથી 1 લાખ વ્યાજે લીધા હતા, જેના બદલામાં તે રોજના 1,000 વ્યાજ વસૂલતો હતો. જ્યારે ડેનીશ પાસેથી લીધેલા 60,000ની સામે 62,000 ચૂકવી દીધા હોવા છતાં ઉઘરાણી ચાલુ રહી હતી. મિતેષભાઈ મિયાણીની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે સહદેવ ધીરૂભાઈ ઢીલા, ડેનીશ ઉર્ફે જાડિયો રમેશભાઈ સુરતી અને સંજય ઉર્ફે વિજયભાઈ ભરવાડ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. જે પૈકી સહદેવ ધીરૂ ઢીલા (ઉ.વ.22, રહે- સ્વીટ હોમ, રજવાડી પાર્ટી પ્લોટ પાસે, અમરોલી- મુળ રંઘોળા, ઉમરાળા, ભાવનગર) અને ડેનીસ સુરતીની ધરપકડ કરવામાં આવી છે.

બંને વ્યાજખોરને મૃતકની સોસાયટીમા લઇ જઇ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામા આવ્યું હતું તપાસ દરમિયાન બે આરોપીઓને પકડી પાડી રિમાન્ડ માગતા હાલ આરોપીઓ રિમાન્ડ હેઠળ છે. આજે બંને વ્યાજખોરને મૃતકની સોસાયટીમા લઇ જઇ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામા આવ્યું હતું. બંને વ્યાજખોર ઉઘાડા પગે લંગડાતી હાલતમાં જોવા મળ્યા હતા. આ સાથે જ સોસાયટીના લોકો અને મૃતકના પરિવારજનો પણ એકઠા થઈ ગયા હતા. મૃતક ની પત્નીએ બે હાથ જોડી ને રડતા રડતા પોલીસને આરોપીઓને મોટી સજા કરવાની અપીલ કરી હતી. જેથી બીજા કોઈ સાથે આવું ન કરી શકે.


Related Posts

Load more