સુપ્રીમ કોર્ટે સોમવારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે સુનાવણી દરમિયાન કહ્યું- ગુનાને રોકવા માટે સજા આપવામાં આવે છે.
બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે. SCએ કહ્યું, મહિલા સન્માનની હકદાર છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારને દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. તે ગુનેગારોની સજા કેવી રીતે માફ કરી શકે? જો સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ છે, તો ત્યાંની રાજ્ય સરકારને તેના પર સંપૂર્ણ અધિકાર છે. કારણ કે જે રાજ્યમાં કોઈ ગુનેગાર પર કેસ ચલાવવામાં આવે છે અને સજા થાય છે, માત્ર તેને જ ગુનેગારોની માફીની અરજી પર નિર્ણય લેવાનો અધિકાર છે.
બિલકિસે સુપ્રીમ કોર્ટમાં બંને અરજીઓ પર વહેલીતકે સુનાવણીની માંગ કરી હતી. આ કેસના તમામ 11 દોષિતોને 15 ઓગસ્ટ 2022ના રોજ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે મુક્ત કરવામાં આવ્યા હતા.
બિલકિસના દોષિતોને ફરીથી જેલમાં ધકેલાશે
ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ, વર્ષ 2022માં, બિલકિસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના ગુનેગારોની સજા માફ કરવામાં આવી હતી અને તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જો કે હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગુનેગારોને ફરીથી જેલમાં જવું પડશે. આ દોષિતોને 2008માં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી, જેને બોમ્બે હાઈકોર્ટે પણ મંજૂરી આપી હતી. આજીવન કેદની સજા પામેલા દોષિતે 14 વર્ષ જેલમાં કાઢવા પડે છે. તે પછી, ગુનાની પ્રકૃતિ, જેલમાં તેનું વર્તન અને અન્ય બાબતોને ધ્યાનમાં લેતા, સજામાં ઘટાડો અથવા મુક્તિ પર વિચાર કરી શકાય છે. બિલકિસ બાનો ગેંગ રેપના દોષિતે 15 વર્ષ જેલમાં વિતાવ્યા છે. જે બાદ ગુનેગારોએ સજામાં રાહત આપવા વિનંતી કરી હતી. જેના પર ગુજરાત સરકારે તેની માફી નીતિ હેઠળ આ 11 દોષિતોને જેલમાંથી મુક્ત કર્યા હતા.