સુરતમાં બસના દરવાજા પર લટકીને જવું પડતું હોવા છતાં બસો વધતી નથી

By: nationgujarat
09 Aug, 2023

સુરતમાં બીઆરટીએસ બસમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓથી ખીચોખીચ બસ ભરાઇને જઈ રહી છે. જેમાં વિદ્યાર્થિનીઓની છેડતી પણ થતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને બસના દરવાજા પર લટકીને મુસાફરી કરવી પડે છે. આથી વિદ્યાર્થીઓએ BRTS સામે આંદોલન છેડ્યું હતું. આજે વહેલી સવારે ABVP અને વિદ્યાર્થીઓ સુરતના પર્વત પાટિયા પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ બીઆરટીએસ બસો અટકાવી દીધી હતી. જો કે, પોલીસને જાણ થતા કાફલો દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

ખિચોખીચ બસ ભરતા વિદ્યાર્થીઓ પરેશાન
સુરતના મોટા વરાછા, સરથાણા યોગીચોક સહિતના વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ બીઆરટીએસનો ઉપયોગ કરે છે અને બસ સરથાણાથી પર્વત પાટિયા કેનાલ રોડ થઈ યુનિવર્સિટી તરફ જતી હોય છે. ત્યારે આ રૂટ પર દોડતી બીઆરટીએસ બસ ખૂબ જ ઓછી છે. જેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે છે. જેને લઈ સમગ્ર બસ ખીચોખીચ ભરાઈ જાય છે. વિદ્યાર્થીઓને ઊભા રહેવાની પણ માંડ માંડ જગ્યા મળે છે. જેને લઈ વિદ્યાર્થીઓએ બસની અંદર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જીવના જોખમે વિદ્યાર્થીઓ કરે છે મુસાફરી
બીઆરટીએસ બસની અંદર વિદ્યાર્થીઓની મુસાફરીની સામે ઓછી બસ એની કનેક્ટિવિટી હોવાથી વિદ્યાર્થીઓ એકસાથે આ બસમાં મુસાફરી કરવા ચડી જાય છે. વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી વધી જાય છે કે, બસનો દરવાજો પણ બંધ બંધ થઈ શકતો નથી. જેને લઈ દરવાજા પર પણ લટકીને વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બને છે. બીજી તરફ વિદ્યાર્થીનીઓની પણ સંખ્યા ખૂબ વધારે છે અને તેઓ પણ ધક્કામુક્કીમાં મુસાફરી કરવા મજબૂર બને છે. જેને લઈ તેમની અનેક વખત છેડતી થયા હોવાની પણ રાવ ઉઠી છે.

સવારે અને સાંજે ભારે સમસ્યા
સુરતના વરાછાથી યુનિવર્સિટી માટે રોજના હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. વિદ્યાર્થીઓ બીઆરટીએસ બસનો ઉપયોગ કરે છે. ત્યારે વિદ્યાર્થીઓને સવારે અને સાંજે આવતી જતી વખતે બીઆરટીએસમાં ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના નિવારણ માટે વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા બસ વધારવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેમ ન થતાં આજે BRTS સામે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે.


Related Posts

Load more