શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર- “વચનામૃત ૨૦૪ મી પ્રાગટ્ય જયંતી”ઉજવાઇ

By: nationgujarat
16 Dec, 2023

વચનામૃત એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી, પરાવાણી, શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં વચનરૂપી અમૃત. આ વચનામૃત ગ્રંથના દરેક વચનામૃતના પ્રારંભમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન કયા વર્ષે, કયા માસમાં, કયા પક્ષમાં, કઈ તિથિએ, ક્યા ગામમાં ,કયા સ્થાનમાં, કઈ દિશામાં મુખ રાખીને, કેવા આસન પર બેસીને, ક્યાં વસ્ત્રાભૂષણ વગેરે ધારણ કરીને વાત કરે છે, તેનું વર્ણન. આવી સૂક્ષ્મતાભરી સચોટ માહિતી આ વચનામૃત ગ્રંથમાં કરવામાં આવી છે. વચનામૃત વિશ્વના દરેક દેશમાં રહેતા કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના માણસને ઉપયોગી બની રહ્યું છે. તેના કારણે વિશ્વભરમાં બાળકથી લઈને યુવાન સુધીના સૌ કોઈ તેનું પઠન પાઠન કરી સુખિયા બને છે. વચનામૃત ગ્રંથમાં સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનના શ્રીમુખેથી જે વાણી વ્યક્ત થઈ, તે શબ્દશ: પ્રસ્તુત થયેલી છે.

વચનામૃત ગ્રંથનું પ્રાગટ્ય સંવત ૧૮૭૬ ના માગશર સુદ ચતુર્થીના શુભ દિને થયું; તેને આજકાલ કરતા ૨૦૪ વર્ષ થાય છે. એટલે શ્રી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી વચનામૃત ૨૦૪ મી પ્રાગટ્ય જ્યંતી છે.

વચનામૃત એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાણીનું અમૃત. જેટલું અમૃતનું પાન કરીશું એટલા અમર બનીશું. વચનામૃત ગ્રંથને સરળ રીતે સમજી શકાય તે માટે શ્રીજીસ્વંયમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપશ્રીએ આ વચનામૃત ઉપર “રહસ્યાર્થ પ્રદીપિકાટીકા” કરી છે એને તેને ગ્રંથિત કરવાનું કાર્ય નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ કર્યું. આ ગ્રંથનો દેશ વિદેશમાં પ્રચાર કરવાનું કાર્ય શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કર્યું ત્યારબાદ વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે કર્યું અને વર્તમાન સમયે જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ દેશ વિદેશમાં સત્સંગ વિચરણ કરી પ્રચાર કરી રહ્યા છે.

આ શુભ અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભકતોએ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી વચનામૃત ૨૦૪ મી પ્રાગટ્ય જ્યંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. આ પ્રસંગે પૂજનીય સંતો અને હરિભકતોએ વચનામૃત ગ્રંથનું પૂજન, અર્ચન તેમજ આરતી પણ ઉતારી હતી.


Related Posts

Load more