રાજકોટ મહાપાલિકા ભાજપમાં નવી ટર્મની બોડીની નિમણુંક બાદ ‘ઓલ ઇઝ નોટ વેલ’ છે ?

By: nationgujarat
04 Oct, 2023

રાજકોટ મહાપાલિકા ભાજપમાં નવી ટર્મની બોડીની નિમણુંક બાદ ‘ઓલ ઇઝ નોટ વેલ’નું વાતાવરણ કયાંકને કયાંક દેખાઇ રહ્યું છે ત્યારે પૂર્વ સરકાર અને પૂર્વ શાસકોના સમયમાં ચૂંટાયેલા કોર્પોરેટરો પર પાર્ટીની અમુક નવી સૂચનાઓ મિસાઇલની જેમ પડી રહ્યાનું પણ દેખાવા લાગ્યું છે. જનરલ બોર્ડ જેવા સમયે મોબાઇલ ફોનમાં વ્યસ્ત ન રહેવા પાર્ટી પ્રમુખે આપેલી સૂચના બાદ આજે મહાપાલિકામાં સ્ટે.કમીટી પૂર્વેની ભાજપ સંકલનમાં પ્રમુખે પાર્ટીની સંકલનની બેઠકોમાં પણ મોબાઇલ ન લાવવા સૂચના આપતા અનેક કોર્પોરેટરોના નેટવર્ક હેવી થઇ ગયા હતા. અમુક કોર્પોરેટરે પાર્ટીને વિશ્વાસ ન હોય તો સંકલનમાં આવીને શું કરવું તેવો સવાલ લોબીમાં આવીને પછાડતા તેના પડઘા શીતલ પાર્ક કમલમ સુધી પડયા છે.

મનપાના છેલ્લા મહિનાના કાર્યક્રમોમાં નગરસેવકોની હાજરી ખુબ પાંખી જોવા મળી રહી છે. છેલ્લે ગાંધી ધુનના કાર્યક્રમમાં તો આંગળીના વેઢે ગણાય એટલા કોર્પોરેટરો પણ હાજર ન હતા. તેવામાં આજે ભાજપ પ્રમુખની નવી સૂચનાએ કોર્પોરેટરોમાં ચર્ચાનો નવો મુદ્દો આપી દીધો છે.

ભાજપના કોર્પોરેટરો અને પાર્ટીના સુત્રોમાંથી જાણવા મળેલી વિગત મુજબ આજે સવારે સ્ટે.કમીટીની મીટીંગ પૂર્વે રાબેતા મુજબ પક્ષ પ્રમુખ મુકેશ દોશીના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક મળી હતી. લાંબા સમયથી પેન્ડીંગ એવી અનેક ચર્ચાસ્પદ અને નવી દરખાસ્તો પર ચર્ચા શરૂ થઇ હતી. પરંતુ અગાઉ જનરલ બોર્ડ માટે અપાયેલી સૂચનાને પ્રમુખે પાર્ટી વતી આ મીટીંગમાં પણ દોહરાવી હતી. પ્રમુખે તમામ કોર્પોરેટરોને કહ્યું હતું કે તેઓ ભાજપ સંકલનમાં મોબાઇલ ફોન લઇને ન આવે. કોર્પોરેટરો સાથે મોબાઇલ હોય તો શકય હોય તે રીતે મીટીંગ હોલ બહાર જમા કરાવી દેવા. આ રીતે સંકલનની મીટીંગ સંપૂર્ણપણે ગોપનીય અને શિસ્તબધ્ધ રીતે ચાલે તે જરૂરી હોવાનું કહ્યું છે.

અગાઉ જનરલ બોર્ડમાં મોબાઇલ ફોન ન લાવવા કોર્પોરેટરોને કહેવામાં આવ્યું હતું. સ્વીચઓફ અને સાયલન્ટ મોડના વિકલ્પ પણ આપવામાં આવ્યા હતા. આજે એકાએક પ્રમુખે બોર્ડ ઉપરાંત સંકલનની બેઠકોમાં પણ મોબાઇલ ન લાવવા કહી દીધું છે. મીટીંગની અમુક વાતો વહેલી બહાર નીકળી જવાની ફરિયાદોના કારણે પણ આવી સૂચના અપાયાનું માનવામાં આવે છે.

દરમ્યાન આજની સંકલનની મીટીંગ બાદ અનેક કોર્પોરેટરોમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે. તમામ સભ્યો કમળના પ્રતિક પર ચૂંટાયેલા છે અને પાર્ટીને વફાદાર છે. છતાં આવા આદેશથી પાર્ટીને જાણે તેમના પર વિશ્વાસ ન હોય તેવી લાગણી થઇ છે. જો આ રીતે પક્ષને તેઓ પર ભરોસો ન હોય તો સંકલનમાં આવવાનો અર્થ નથી તેવું પણ બે-ત્રણ કોર્પોરેટરે લોબીમાં કહી દીધુ હતું.

નવી બોડીની રચના વચ્ચે ભાજપની નવી સંગઠન બોડીની કામ કરવાની પધ્ધતિ પણ અમુક કોર્પોરેટરોને ખૂંચી રહી છે. પક્ષમાં પ્રમુખ સિવાયના અમુક લોકો જાણે પ્રદેશ પ્રમુખ હોય તે રીતની સ્ટાઇલ અપનાવીને સૂચના આપતા હોવાનું લાગે છે. આથી ઘણા કાર્યક્રમોમાં નહીં જતા હોવાનું પણ પક્ષ કહે છે. અઢી વર્ષ પહેલા પણ પ્રદેશે જ પદાધિકારીઓ અને હોદેદારોને બેસાડયા હતા. તાજેતરમાં પણ પાર્ટીએ જ નવી બોડી અને પદાધિકારીઓની નિયુકિત કરી છે પરંતુ ગમે તે કારણે સંકલનના અભાવે અને અપૂરતા વિશ્વાસને કારણે પદાધિકારીઓ અને પાર્ટી વચ્ચેનું અંતર ઘટતું ન હોવાની છાપ ઉપસી રહી છે.

આ મુદો આજે પૂરી મહાપાલિકા ભાજપમાં ગરમાગરમ રહ્યો હતો. રાજકોટ મહાપાલિકામાં કમીટી ચેરમેનોને નિયમિત બેસવાની સૂચના પણ નિમણુંક વખતે પાર્ટીએ આપી હતી. પરંતુ આ સમયે અમુક કોર્પોરેટરે વાસ્તવિકતા દર્શાવી વિસ્તારમાં રહેવા સહિતના કામોના કારણે આવો અમલ શકય નહીં બને તેવું કહી દીધુ હતું. નવી નિમણુંકથી દાઝેલા ઘણા કોર્પોરેટરો તો હજુ મનદુ:ખમાં સમય પસાર કરી રહ્યા છે. પાર્ટીએ નવી પધ્ધતિમાં કામનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પરંતુ વિશ્વાસનો સેતુ નવી ટર્મમાં હજુ બંધાતો દેખાતો નથી!


Related Posts