Shubman Gill Health Update: શુભમન ગિલના પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતાં હોસ્પિટલમાં ભર્તી

By: nationgujarat
10 Oct, 2023

ભારતના સ્ટાર ઓપનર શુભમન ગિલના લેટેસ્ટ હેલ્થ અપડેટે ટીમ ઈન્ડિયા અને ચાહકોની ચિંતા વધારી દીધી છે. ડેન્ગ્યુથી પીડિત શુભમન ગિલને પ્લેટલેટ્સ ઓછા થવાને કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુભમન ગિલ બુધવારે અફઘાનિસ્તાન સામેની મેચમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે. હવે શનિવારે પાકિસ્તાન સામેની મેચમાં ગિલના રમવાની કોઈ શક્યતા જણાતી નથી. ગિલની ગેરહાજરીમાં ઈશાન કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે.

મંગળવારના રોજ BCCI દ્વારા શુભમન ગિલની હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવી હતી. હેલ્થ અપડેટમાં જણાવવામાં આવ્યું હતું કે શુભમન ગિલ ટીમ સાથે દિલ્હી ગયા નથી અને તેઓ ચેન્નાઈમાં રહીને તેમની સારવાર કરાવશે. નવીનતમ માહિતી અનુસાર, મંગળવારની સાંજે, શુભમન ગિલના પ્લેટલેટ્સ ઓછા થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાલમાં શુભમન ગિલ ચેન્નાઈની હોસ્પિટલમાં જ દાખલ છે.

ગિલ ટીમમાં રહેશે

ગયા અઠવાડિયે શુભમન ગિલનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી ગિલ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાંથી બહાર થઈ ગયો હતો. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ગિલ શનિવારે પાકિસ્તાન સામે રમાનાર મેચ માટે ફિટ થશે. પરંતુ હવે આની કોઈ શક્યતા જણાતી નથી. ડેન્ગ્યુ જેવા રોગમાંથી સાજા થવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા લાગે છે. આવી સ્થિતિમાં ગિલ આવતા સપ્તાહની શરૂઆતમાં જ પ્રેક્ટિસમાં પરત ફરી શકશે.

જોકે, બીસીસીઆઈ ગિલના સ્થાનની જાહેરાત કરશે નહીં અને તે વર્લ્ડ કપમાં ટીમનો ભાગ રહેશે. ગિલ આ વર્ષે વનડેમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એકવાર સંપૂર્ણ ફિટ થઈ ગયા બાદ ગિલ વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.


Related Posts

Load more