ગાંધી જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી. આજે 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા એ જ સેવાના આહવાન સાથે આજે સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદના રાણીપ વિસ્તારમાં શ્રમદાન કરવામાં આવ્યું હતું. જ્યારે ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સફાઈ કામગીરી કરી હતી. જ્યારે ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સફાઈ કરી હતી.
અમિત શાહે રાણીપ એમટીએસ બસ સ્ટેન્ડ પાસે સફાઈ કરી અને પોતાનું શ્રમદાન કર્યું હતું. સવારે 10:15 વાગ્યે તેઓ રાણીપ ખાતે પહોંચ્યા હતા. રાણીપ બસ સ્ટેન્ડ નજીક આવેલા મંદિરમાં તેઓએ દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ હાથમાં ઝાડુ લઈને બસ સ્ટેન્ડની આસપાસ સફાઈ કરી શ્રમદાન કર્યું હતું.
પખવાડા સુધી સ્વચ્છતા માટે શ્રમદાન
સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલે જણાવ્યું હતું, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે નિરંતર આગળ વધે અને મનમાં સ્વચ્છતા એ જ સેવાનો ભાવ રહે તેના માટે 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી એમ સમગ્ર પખવાડા દરમિયાન સ્વચ્છતા માટે શ્રમદાનના કાર્યક્રમ અંતર્ગત આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા રાણીપ વિસ્તારમાં સફાઈ કરી શ્રમદાન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના આહવાનના ભાગરૂપે તમામ લોકો જોડાઇને સ્વચ્છતા જાળવે અને પોતે સ્વચ્છ રહે તેનો સંદેશ આપ્યો હતો.