અમદાવાદમાં બની ચોંકાવનારી ઘટના, લિફ્ટમાં ફસાતા 6 વર્ષના બાળકનું થયું મોત

By: nationgujarat
13 Nov, 2023

અમદાવાદઃ અમદાવાદમાં માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. જો તમે પણ તમારા બાળકને લિફ્ટમાં એકતા મોકલતાં હોવ તો ચેતી જજો. અમદાવાદમાં એવી ઘટના બની છે જે વાંચીને તમારા રૂવાંટા પણ ઉભા થઈ જશે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા વસંત વિહાર-2 ફ્લેટમાં લિફ્ટમાં ફસાય જવાથી 6 વર્ષના બાળકનું મોત થયું છે. રમતા રમતા બાળક લિફ્ટમાં જતો રહ્યો હતો. ત્યારે અચાનક લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી. આ દરમિયાન બાળક ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે ફસાઈ ગયો હતો.

બાળકનું ઘટનાસ્થળે મોત
આ ફ્લેટમાં લિફ્ટમાં ફસાયેલા બાળકનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ દુર્ઘટના બાદ ફાયર વિભાગ અને 108ને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે બાળકને નીચે ઉતાર્યો અને 108 મારફતે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પરંતુ આ દરમિયાન બાળકનું મોત થઈ ગયું હતું. ફાયરની ટીમમાંથી મળેલી વિગત અનુસાર આજે સાંજના સમયે શાહીબાગ વિસ્તારમાં વસંત વિહાર ફ્લેટ વિભાગ-2માં  આર્ય કોઠારી નામનો છ વર્ષનો બાળક રમી રહ્યો હતો. ત્યારબાદ તે સીધો લિફ્ટમાં ગયો. આ દરમિયાન અચાનક લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી. તે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે ફસાઈ ગયો હતો.

લિફ્ટ અચાનક ચાલુ થઈ જતાં બાળકે બૂમાબૂમ પણ કરી હતી. લિફ્ટ ચાલુ થઈ જવાને કારણે પ્રથમ માળે પહોંચે ત્યાં સુધી બાળકનું માથુ અને શરીર ફસાઈ ગયું હતું આ ઘટનાની જાણ થતાં ફ્લેટના લોકો આવી પહોંચ્યા હતા. ફ્લેટના લોકોએ બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનું માથુ અને શરીર ફસાઈ ગયું હતું. ત્યારબાદ ફાયરની ટીમની જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે બાળકને બહાર કાઢ્યું અને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.

108ની ટીમે જણાવ્યું કે જ્યારે તેઓ આ ફ્લેટમાં પહોંચ્યા તો બાળક ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે ફસાયેલો હતો. તેનું માથુ પ્રથમ માળે અને શરીર ગ્રાઉન્ડ ફ્લોર પર હતું. માથામાં ઈજા થતાં બાળક લોહીલુહાણ થઈ ગયું હતું. ત્યાં તપાસ કરતા તેના ધબકારા બંધ જોવા મળ્યા હતા. ત્યારબાદ બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત થયું હતું.


Related Posts

Load more