JV Modi High School in Savarkundla: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગુરૂવારથી (27મી ફેબ્રુઆરી) ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સાવરકુંડલાની જે.વી.મોદી હાઈસ્કૂલમાં પરીક્ષા કેન્દ્રમાં શૌચાલયમાં દરવાજા જ નથી. જેના કારણે પરીક્ષા આપવા આવતી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને અહીં તાત્કાલિક ધોરણે શૌચાલયમાં દરવાજા લગાવવામાં આવે તેવી માગ ઊઠી છે.
એનએસયુઆઈના કાર્યકરોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
મળતી માહિતી અનુસાર, સાવરકુંડલામાં નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી મોદી હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12નું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જ્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે, પરંતુ અહીં પ્રાથમિક સુવિધાનો જ અભાવ જોવા મળે છે. વિદ્યાર્થીઓને શૌચક્રિયા જવા માટે મૂંઝવણ ઊભી થઈ છે. કારણે કે, અહીં શૌચાલય તો છે, પરંતુ તેના દરવાજા જ નથી.આ મામલે એનએસયુઆઈના કાર્યકરોએ સૂત્રોચાર કરીને શાળાનો ઘેરાવ કર્યો હતો. તેમણે આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, ‘બે દિવસમાં શૌચાલયના દરવાજા લગાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી પરીક્ષા કેન્દ્ર રદ કરાવવાની માગ કરીશું.