રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીના વખાણ કરતા કહ્યુ કે મોદીને આ કામ કરતા કોઇ નહી રોકી શકે

By: nationgujarat
08 Dec, 2023

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે હું કલ્પના પણ કરી શકતો નથી કે મોદીને ભારત અથવા ભારતના લોકોના હિત માટે પગલાં લેવા અથવા રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લેવા માટે ડરાવવા, ધમકાવવા અથવા દબાણ આપવા કોઇ સક્ષમ છે. સારું, હું જાણું છું કે તેમના પર આવું દબાણ છે. જો કે અમે તેના વિશે ક્યારેય વાત કરતા નથી. દેશ માટે કામ કરવા મોદીને કોઇ રોકી શકે તેમ નથી.

ભારત અને સંબંધોના સંદર્ભમાં રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે ‘હું માત્ર બહારથી શું થઈ રહ્યું છે તે જોઉં છું. સાચું કહું તો, ભારતીય લોકોના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા અંગે મોદીના કડક વલણથી મને ક્યારેક આશ્ચર્ય થાય છે. ‘રશિયા કોલિંગ ફોરમ’ કાર્યક્રમમાં પુતિને આવા અનેક સવાલોના જવાબ આપ્યા અને પોતાના વિચારો વ્યક્ત કર્યા. પુતિને કહ્યું કે રશિયા અને ભારત વચ્ચેના સંબંધો તમામ દિશામાં વિકાસ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે તેની મુખ્ય ગેરંટી પીએમ મોદીની નીતિ છે. પીએમ મોદી સતત ભારતના હિતમાં નિર્ણયો લઈ રહ્યા છે.

પુતિને અગાઉ પણ પ્રશંસા કરી હતી
આ પહેલા 4 ઓક્ટોબરના રોજ એક કાર્યક્રમમાં પુતિને પીએમ મોદી અને મેડ ઈન ઈન્ડિયાના તેમના આગ્રહની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે. તેમના નેતૃત્વમાં ભારત વિકાસની દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી રહ્યું છે. તેમના એજન્ડા પર કામ કરવું ભારત અને રશિયા બંનેના હિત સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.

પુતિન પાંચમી વખત રાષ્ટ્રપતિ બની શકે છે
તમને જણાવી દઈએ કે રશિયામાં માર્ચ મહિનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, તેની તારીખ જાહેર કરવામાં આવી છે. હવે રશિયામાં 17 માર્ચ 2024ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. માનવામાં આવે છે કે પુતિન આ પદ માટે પાંચમી વખત ચૂંટણી લડશે. જો કે પુતિનની સામે વિપક્ષ ખૂબ જ નબળો છે. જોકે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને જોતા તેમને હજુ પણ ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે.

 


Related Posts

Load more