RBI નો નવો નિયમ લોન લેનાર ગ્રાહકોને કરાવશે ફાયદો

By: nationgujarat
13 Sep, 2023

જો તમે લીધેલી લોન પૂરેપૂરી ચૂકવી દીધી છે પરંતુ તમે આ લોન લેવા માટે જમા કરેલા ડોક્યુમેન્ટ્સ પરત નથી મળ્યા તો તમને દરરોજના રુપિયા 5000 લેખે બેંકે વળતર ચૂકવવું પડશે. આ ડોક્યુમેન્ટ્સમાં તમામ પ્રકારની ચલ અને અચલ સંપત્તિ (Movable And Immovable Property Documents)ના મૂળ દસ્તાવેજ સામેલ થાય છે. આ વળતર દરેક સંસ્થાએ ભરવું જ પડશે જેની પાસેથી તમે લોન લીધી હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા આ મામલે આજે એટલે કે 13 સપ્ટેમ્બર 2023ના રોજ એક નિર્દેશ જાહેર કરીને સૂચના આપવામાં આવી છે. આ નવો નિયમ તમામ રેગ્યુલર એન્ટિટિઝ જેમાં તમામ બેંકો, NBFCs (HFCs સહિત), ARCs, LABs અને કો-ઓપરેટિવ બેંકો સામેલ છે.લોનના રિ-પેમેન્ટ અથવા સેટલમેન્ટ બાદ 30 દિવસની અંદર લોન લેનારને તેના ડોક્યુમેન્ટ્સ પરત કરવા હવે ફરજીયાત નિયમ બની ગયો છે. 1 ડિસેમ્બર 2023થી આ નવો નિયમ લાગૂ ગણવામાં આવશે. દેશની કેન્દ્રીય બેંકે ગ્રાહકોની સુરક્ષા અને માનસિક મુશ્કેલીને ધ્યાને રાખીને આ નિયમ બનાવ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના (RBI) નવા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, ‘2003થી જુદી જુદી તમામ રેગ્યલેટેડ સંસ્થાઓ માટે બહાર પાડવામાં આવેલ ફેર પ્રેક્ટિસ કોડ હેઠળના દિશા-નિર્દેશ મુજબ સંસ્થાને લોનની પૂર્ણ રકમ મળી જવા પર અને લોન એકાઉન્ટ બંધ થવા પર તમામ ચલ અને અચલ સંપત્તિ દસ્તાવેજ રીલિઝ કરવા ફરજીયાત છે. જોકે એવું જોવામાં આવ્યું છે કે અલગ અલગ સંસ્થાઓ આ માટે જુદી જુદી પ્રથાઓનું પાલન કરે છે જેના માટે ગ્રાહકોની ફરિયાદ અને વિવાદ થાય છે.’

આરબીઆઈનો (RBI)  નિર્દેશ સ્પષ્ટ કરે છે કે લોન આપનાર સંસ્થા તમામ પ્રકારના ચલ અને અચલ સંપત્તિ દસ્તાવેજો પરત કરશે અને લોન પૂર્ણ થયા બાદ 30 દિવસની અંદર કોઈપણ રજિસ્ટ્રીમાં નોંધણી કરવામાં આવેલ દરને દૂર કરશે. આ સાથે જ આ નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે લોન લેનાર વ્યક્તિ તમામ જરૂરી દસ્તાવેજ જે તે બેંકિંગની શાખા અથવા જે શાખામાં એકાઉન્ટ ખોલાવ્યું હોય તે શાખા અથવા જે તે સંસ્થાના કોઇપણ કાર્યાલય પરથી જ્યાં દસ્તાવેજ ઉપલબ્ધ હોય, પોતાની પસંદ મુજબ મેળવવાને પાત્રતા પણ પ્રદાન કરે છે.CNBC TV-18ના એક અહેવાલ મુજબ કેન્દ્રીય બેંક અનુસાર ઓરિજનલ સંપત્તિ દસ્તાવેજોને પરત કરવાની સમય મર્યાદા અને સ્થાનનો ઉલ્લેખ લોન સેક્શન લેટર પર સ્પષ્ટ રૂપે કરવામાં આવશે. આ સાથે લોન લેનાર વ્યક્તિના મૃત્યુ અથવા તો જોઈન્ટ લોન એકાઉન્ટમાં કોઈ એકનું મૃત્યુ થતાં મૂળ સંપત્તિના દસ્તાવેજો ઉત્તરાધિકારીઓને પરત કરવા માટે યોગ્ય પ્રક્રિયા નિશ્ચિત કરવામાં આવે. તેમજ આ પ્રક્રિયાને ગ્રાહક સંબધિત તમામ નીતિઓ સાથે સંસ્થાની વેબસાઈટ પર સ્પષ્ટ રુપે જણાવવામાં આવે.


Related Posts

Load more