રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં જૂથવાદ અને વિરોધ ચરમસીમાએ,વિરોધીને જયેશ રાદડીયાની ચેલેન્જ

By: nationgujarat
27 Sep, 2023

લગભગ છેલ્લા દોઢ-બે વર્ષથી ચાલ્યો આવતો રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં જૂથવાદ અને વિરોધ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. રાજકોટ જિલ્લા બેંકથી શરૂ કરી રાજકોટ જિલ્લાના યાર્ડમાં નવા હોદ્દેદારો અને ડિરેક્ટરોની નિમણૂકથી લઈ રાલો સંઘના નવા પદાધિકારીઓની નિમણૂક બાદ સામાન્ય સભા સુધી ચાલ્યા આવતા વિવાદ અને વિરોધને ધારાસભ્ય જયેશ રાદડિયાએ જાહેરમાં ઉચ્ચારી વિરોધીઓને હુંકાર ફેંકી ખુલ્લી ચેલેન્જ આપી છે. સહકારી ક્ષેત્રમાં દખલગીરી ન કરવા અપીલ કરી છે. જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈ વખતે એક ટોળકી સહકારી માળખાને બદનામ કરવા આંટા મારતી હતી. આજે પેઢી બદલાઈ છે, આજે પણ એ ટોળકી આંટા મારે છે. પણ આજે ઈમારત મજબૂત છે, તમારાથી દાણોય નહીં હલે. આવી જાજો મેદાન ખુલ્લું જ છે

.હું રાજકારણમાં નહોતો પણ બેઠો બેઠો બધું સાંભળતો
25 સપ્ટેમ્બરના રોજ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લાની સહકારી ક્ષેત્રની અલગ અલગ સાત સંસ્થાની સાધારણ સભા મળી હતી. જયેશ રાદડિયાએ પોતાના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે, આજની તારીખે પણ એવા લોકો નીકળ્યા છે. મને યાદ છે વિઠ્ઠલભાઈ હતા એ વખતે પણ 5 લોકોની ટોળકી કામ કરતી હતી અમને બદનામ કરવા. એ આજે પણ કામ કરી રહી છે. આજે પેઢી બદલાઈ ગઈ, હું બેંકમાં ચેરમેન તરીકે આવી ગયો પણ એ ટોળકી બદલાઈ નથી. વિઠ્ઠલભાઈ હતા ત્યારે હું રાજકારણમાં પણ નહોતો પણ બેઠો બેઠો બધું સાંભળતો રહેતો હતો. વિઠ્ઠલભાઈ પણ કહેતા એક ટોળકી સક્રિય બની છે હજુ એ જ ટોળકી આંટા માર્યા કરે છે.

ખેડૂતોના હિત જોઈ કામ કરીએ છીએ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એ લોકો પાંચના છ કોઈ દિવસ નથી થવાના. સહકારી ક્ષેત્ર આટલું સારી રીતે ચાલી રહ્યું છે, તેને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે તેમને મારી વિનંતી છે કે, આ પ્રવૃત્તિ બંધ કરી દેજો. સહકારી પ્રવૃત્તિને બદનામ કરવાનું કામ ન કરતા એવી મારી વિનંતી છે. છેલ્લે કહ્યું એમ જયેશ રાદડિયા રાજકીય માણસ છે. સહકારની વાત આવે ત્યારે હું રાજકારણની વાત એક બાજુ મૂકી દઉં છું અને ખેડૂતોના હિત જોઈ કામ કરીએ છીએ.

આવા 5 લોકો સામે અમે જોતા પણ નથી
જયેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આવા 5 લોકો સામે અમે જોતા પણ નથી. રાજકીય રીતે પણ સામે આવવું હોય તો આ મેદાન ખુલ્લું છે. ખુલ્લા મેદાનમાં આપણી બધી તૈયારી છે. આ સહકારી ક્ષેત્રની ઇમારત છે એ 2.50 લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલી રહી છે. વિઠ્ઠલભાઈ વખતે પણ કાંકરી હલાવી નથી શક્યા અને હવે પણ હલાવી નહીં શકો. આ મારી ખુલ્લી ચેલેન્જ સાધારણ સભા અંદરથી કરવા માગુ છું.

આ સાધારણ સભામાં રાજકોટ જિલ્લાના ભાજપના નેતાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ જોડાયા હતા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ સમયે કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓ અને રાજકોટ જિલ્લાના ખેડૂતોની હાજરીમાં જયેશ રાદડિયાએ જાહેર સભામાંથી વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંકી ચેલેન્જ આપી સહકારી ક્ષેત્રમાં દખલગીરી ન કરવા અપીલ કરી હતી.


Related Posts

Load more