Rajkot: લોકસભા ચૂંટણીના ભણકારા વાગી ગયા છે અને રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ ગઈ છે.ભાજપ પણ લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે એક્શન મોડમાં આવી ગયું છે.ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના પણ રાજકોટ અને સૌરાષ્ટ્ર પ્રવાસ વધી રહ્યા છે.ભાજપ ગુજરાતમાં છેલ્લી 2 ચૂંટણીથી તમામ 26 બેઠકો જીતી રહ્યું છે.આ છવ્વીસએ છવ્વીસ બેઠકો ટકાવી રાખવા માગે પુરે પુરા પ્રયાસો રહેશે.સૌરાષ્ટ્રની રાજકોટ સહિત 7 લોકસભા બેઠકો છે.
સીઆર પાટીલનો 10 દિવસમાં આ બીજો રાજકોટ પ્રવાસ છે.આજે સીઆર પાટીલ રાજકોટ પ્રવાસે હતા ત્યારે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.જેમાં એક કાર્યક્રમ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર આગેવાન મૌલેશ ઉકાણીના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનો હતો જેમાં સીઆર પાટીલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં વક્તવ્ય દરમિયાન એક રાજકીય સંકેત પણ આપ્યો હતો.
રાજકોટના લોકસભા ઉમેદવાર બદલાવાના સીઆર પાટીલે આપ્યા સંકેત
સીઆર પાટીલે આ રક્તદાનના કાર્યક્રમમાં મૌલેશભાઈ ઉકાણીના સેવાકાર્યોના વખાણ કર્યા હતા અને જણાવ્યું કે તેમના સેવાકાર્યો વિશે જાણીને પ્રભાવિત થઈને તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સહમત થયાં હતાં અને ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સીઆર પાટીલએ જણાવ્યું કે “એક ચર્ચા એવી પણ ચાલે છે કે મૌલેશભાઈ ઉકાણીને લોકસભામાં લઈ જવાના છે,જો મૌલેશભાઈ આવતા હોય તો અને જરૂરથી લઈ જવા તૈયાર છીએ.”
સીઆર પાટિલના આ નિવેદનને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર મૌલેશભાઈ ઉકાણીના સમર્થકોએ તાળીઓથી સમર્થન પણ આપ્યું હતું. સીઆર પાટીલના આ નિવેદનથી રાજકોટના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું આ વખતે ભાજપ રાજકોટ લોકસભા બેઠક પર કોઈ નવા જ ચહેરાને ઉતારવા જઈ રહ્યું છે?
શું કડવા પાટીદાર સમાજમાંથી નવા ચહેરાને ભાજપ આપશે લોકસભા ટિકિટ?
રાજકોટ લોકસભા બેઠક પરથી છેલ્લી 2 ટર્મથી કડવા પાટીદાર સમાજમાંથી આવતા મોહનભાઈ કુંડારિયા સાંસદ છે અને ત્રીજી વખત તેમને રિપિટ કરાય તેવી સંભાવના નહિવત્ લાગી રહી છે.ત્યારે ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલએ આજે આપેલા આ સંકેતથી રાજકોટ લોકસભા બેઠક પર કોઈ નવો જ ચહેરો આવશે તે ચર્ચાએ વધુ જોર પકડ્યું છે.
મૌલેશભાઈ ઉકાણી કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને હાલના સાંસદ મોહન કુંડારીયા પણ કડવા પાટીદાર છે.જેથી હવે જોવાનું રહેશે કે ભાજપ લોકસભા બેઠક પર કડવા પાટીદાર સમાજમાંથી જ કોઈ નવા ચહેરાને ટિકિટ આપે છે કે પછી લેઉવા પાટીદાર અથવા અન્ય કોઈ સમાજના ઉમેદવાર પસંદ કરે છે.