Rain Update – 4 દિવસ ભારે વરસાદની આગાહી -Meteorological Department

By: nationgujarat
18 Sep, 2023

હવામાન વિભાગની(Meteorological Department) આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ.રાજ્યમાં આજે ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે પણ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, ખેડા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

ગઈકાલે રાજ્યના 177 તાલુકામાં વરસાદ નોંધાયો
ગઈકાલે સવારે 6 થી સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 177 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી.જેમાં 97 તાલુકાઓમાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે.સૌથી વધુ પંચમહાલના ગોધરામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં ભારે વરસાદના કારણે અને સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા આજે સાંજ સુધીમાં 9613 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ભરૂચ જિલ્લામાં 5744, નર્મદા જિલ્લામાં 2317, વડોદરામાં 1462, દાહોદમાં 20 અને પંચમહાલ જિલ્લામાં 70 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

158 ગામોમાં અંઘારપટ છવાયું
સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું. ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઘોડાપુર વચ્ચે 158 ગામોમાં અંઘારપટ છવાયું.દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા સલામતીના કારણોસર નર્મદાના 137 અને ભરૂચના 21 ગામોનો વીજ પુરવઠો કટ ઓફ કરાયો.ભરૂચ શહેરમાં મકતમપુર, ગોલ્ડનબ્રિજ, દશાશ્વમેઘ, ફુરજા, સોમનાથ-લોઢવાણનો ટેકરા વિસ્તારમાં પણ પાણી સાથે વીજળી ડૂલ કરાઈ છે. પાણી ઓસરતા જ વીજ પુરવઠો પુનઃ શરૂ કરાશે.

શક્તિસિંહ ગોહિલનો પૂરની સ્થિતિને લઈ આક્ષેપ
મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા નદીમાં પૂર આવ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યા હતા કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે સરદાર સરોવર ડેમને છલોછલ ભરવામાં આવ્યો હતો.ઉજવણીના ભાગરૂપે એક સાથે પાણી છોડાતા આસપાસના ગામડાની જમીનો ધોવાઈ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ભાજપની આ નૌટંકી સરકારે વડાપ્રધાનને વ્હાલા થવા માટે આ પગલું લીધું હતું. તેના કારણે નર્મદા અને આસપાસના વિસ્તારોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

ભારે વરસાદને લઈને ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો
ભારે વરસાદને લઈને ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો. ગુજરાતના અનેક વિસ્તારોમાં દોડતી કેટલીક ટ્રેનો ભારે વરસાદના કારણે રદ્દ થઈ.વડોદરામાં પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આવેલ બ્રિજ નંબર 61 અને 76 પર પાણી જોખમનું સ્તર વટાવી જતા ટ્રેન વ્યવહાર પર અસર પડી.જેમાં 8 ટ્રેન રદ કરવામાં આવી જ્યારે અન્ય કેટલીક ટ્રેનો આંશિક રદ કરવામાં આવી.


Related Posts