RAIN NEWS- સાબરકાંઠાના તલોદમાં 8 અને પ્રાંતિજમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો

By: nationgujarat
18 Sep, 2023

સાબરકાંઠા જિલ્લામાં બે દિવસ પહેલા ખેડૂતોના ચહેરાઓ પર ચિંતાની લકીરો જોવા મળી રહી હતી. આ દરમિયાન હવે છેલ્લા 48 કલાકમાં જ માહોલ બદલાઈ ગયો છે. ખેડૂતોના ચિંતાતૂર ચહેરાઓ હવે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અંતિમ 48 કલાક દરમિયાન એટલે કે શનિવાર અને રવિવારે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. તલોદ અને પ્રાંતિજમાં જળબંબાકાર સ્થિતિ મેઘરાજાએ સર્જી દીધી છે.

ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળે વરસાદ ધોધમાર વરસ્યો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ સહિત સાબરકાંઠામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેને લઈ વિસ્તારમાં ખેડૂતોને ખેતીમાં સિંચાઈની સમસ્યામાં રાહત સર્જાઈ છે.

તલોદમાં 8 ઈંચ કરતા વધુ વરસાદ

રવિવારે અંતિમ ચોવીસ કલાક દરમિયાન મેઘરાજાએ તલોદ અને પ્રાંતિજ વિસ્તારમાં ખેડૂતોને ખુશ કરી દીધા હતા. જે ખેડૂતો બે દિવસ અગાઉ પાણી વિના પાક ખતમ થઈ જવાની ચિંતા સતાવી રહ્યા હતા, એ જ ખેડૂતો હવે વધુ વરસાદથી પાકમાં નુક્શાન ના થાય એની ચિંતા સતાવવા લાગ્યા છે. જોકે ખાસ કરીને પ્રાંતિજ અને તલોદ વિસ્તારના ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં મોટી રાહત સર્જાઈ ગઈ છે.

તલોદ વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 210 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે સાડા આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે પ્રાંતિજ વિસ્તારમાં 171 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો, એટલે કે પ્રાંતિજ વિસ્તારમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મુખ્ય મથક હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ સારો નોંધાયો હતો. હિંમતનગરમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વિજયનગરમાં સાડા ત્રણ ઈંચ અનવે વડાલીમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્મામાં પોણા ત્રણ ઈંચ અને ઈડરમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. પોશિનામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

  1. તલોદ 210 મીમી
  2. પ્રાંતિજ 171 મીમી
  3. હિંમતનગર 92 મીમી
  4. વિજયનગર 86 મીમી
  5. ખેડબ્રહ્મા 71 મીમી
  6. વડાલી 57 મીમી
  7. ઈડર 54 મીમી
  8. પોશિના 29 મીમી

અરવલ્લી-સાબરકાંઠા ડેમ-જળાશય આવક

  • વાત્રક ડેમઃ 119 ક્યુસેક આવક, 57.99 ટકા જળસંગ્રહ
  • ગુહાઈ ડેમઃ 758 ક્યુસેક આવક, 50.77 ટકા જળસંગ્રહ
  • માઝમ ડેમઃ 225 ક્યુસેક આવક, 35.17 ટકા જળસંગ્રહ
  • હાથમતી જળાશયઃ 995 ક્યુસેક આવક, 46.36 ટકા જળસંગ્રહ
  • મેશ્વો ડેમઃ 500 ક્યુસેક આવક, 48.75 ટકા જળસંગ્રહ
  • ધરોઈ ડેમઃ 7967 ક્યુસેક આવક, 7487 ક્યુસેક જાવક,  91.90 ટકા વર્તમાન જળસંગ્રહ(આંકડા સોમવારે સવારે 6.00 કલાકની સ્થિતિ મુજબ)

Related Posts