પ્રમુખસ્વામી મહારાજના ૧૦૧ મા જન્મજયંતી પર્વની સમગ્ર વિશ્વમાં ધામધૂમપૂર્વક ઉજવણી

તા 1 ડિસેમ્બર, 2022, ગુરુવારના મંગલ પ્રભાતે અમદાવાદમાં પ.પૂ મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં વિક્રમ સંવત્સરની તિથિ અનુસાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૧૦૧ મા જન્મજયંતી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારોની સંખ્યામાં સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજામાં સંસ્થાના વરિષ્ઠ સંતોએ પ.પૂ.પ્રમુખસ્વામીના ગુણાનુવાદ ગાઈને પ્રમુખસ્વામી મહારાજના જીવન-સંદેશને સૌના હૈયે દૃઢાવ્યો હતો.

 આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પત્રમાં ભાવોર્મિઓ વહાવતાં જણાવ્યું હતું,પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દીના અવસરે અનેક સ્મરણો મારી આંખ સામે તરી આવે છે. તેમની કરુણામય આંખો, શિશુસહજ હાસ્યથી સદાય શોભતો ચહેરો અને તપોબળથી સમૃદ્ધ એવી સરળ-સહજ ભાષા સદૈવ યાદ આવે છે...પ્રમુખસ્વામી મહારાજે સમાજના છેવાડાના વર્ગ સુધી સેવા અને સાંસ્કૃતિક સંદેશને પહોંચાડવાનું કાર્ય કર્યું. વ્યસનમુક્તિ, શિક્ષણ પ્રસાર, આરોગ્ય સેવા જેવાં સમાજ સુધાર કાર્યો દ્વારા વંચિત વર્ગના લોકોના જીવનને તેમણે નવી દિશા આપી, આત્મસમ્માન બક્ષ્યું. વિશ્વભરમાં માનવમૂલ્યો અને ભારતીય સંસ્કૃતિના તેઓ અગ્રીમ વાહક રહ્યા છે.”

ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો મુખ્ય જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી ઓગણજ સર્કલ પાસે આવેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે. આ મહોત્સવના પૂર્વ ભાગમાં ગઈ કાલે તારીખ 1 ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી મહારાજનો 101 મો જન્મદિન સમગ્ર વિશ્વમાં વસેલા બીએપીએસ સંસ્થાના અનુયાયીઓ દ્વારા ‘ઘેર ઘેર જન્મોત્સવ’ ના શીર્ષક હેઠળ આનંદ અને ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો. ઘેર ઘેર જન્મોત્સવના આયોજનમાં હરિભક્તોએ પોતાનાં ઘરોને શણગાર્યાં હતાં, ઘરના પ્રાંગણમાં રંગોળીઓનું સુશોભન કરીને દીપમાળાઓ  પ્રજ્વલિત કરી પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પી હતી.

 આ બાજુ જ્યારે શતાબ્દી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ પણ 30 નવેમ્બરના રોજ અમદાવાદમાં  પ.પૂ .મહંતસ્વામી મહારાજનાં દર્શને આવ્યા હતા. વ્યક્તિગત મુલાકાત બાદ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી પર્વે  શુભેચ્છા પત્રમાં તેમણે જણાવ્યું, પૂ. પ્રમુખસ્વામી મહારાજનું (1921-2016) સમગ્ર જીવન માનવતા અને અન્યોની સેવા માટે સમર્પિત રહ્યું. ..પૂ.પ્રમુખસ્વામી મહારાજ પાસે કોઈ ભૌતિક સંપત્તિ નહોતી, તેમણે કંઈ પણ માંગ્યું ન હતું, તેમ છતાં તેમણે જીવનની અંતિમ ક્ષણો સુધી નમ્રતા અને કાળજી સાથે શાંતિ અને વિશ્વાસની અમૂલ્ય ભેટ આપી.”

 

  વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપતાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લખ્યું હતું –

સાદું જીવન જીવવાના આગ્રહી એવા પૂ. પ્રમુખસ્વામી પ્રેમ, શાંતિ, સૌહાર્દ, સચ્ચાઈ અને વિશ્વાસના સંદેશ સાથે લાખોના જીવનમાં પ્રેરણાદાયી બની રહ્યા.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe