ગુજરાતમાં એસટી બસના ભાડામાં આજથી 20થી 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેને પગલે મોંઘવારીના સમયમાં પ્રજા પર પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. એસટી બસના ભાડામાં વધારો થતા વડોદરા શહેરના એસટી ડેપો પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં મુસાફરોએ આક્રોશ સાથે જ જણાવ્યું હતું કે, પહેલા સ્ટાન્ડર્ડ બસો આપો પછી ભાડું વધારો, એક કલાકથી ઊભા છીએ, બસ મળતી નથી, ભાડાવધારો પાછો ખેંચો. ખખડધજ બસોના સ્થાને સ્ટાન્ડર્ડ બસો આપવાની માગ પણ કરી હતી.
કેટલીક બસોના લોક પણ તૂટી ગયેલા હતા
દિવ્ય ભાસ્કરની ટીમ વડોદરા એસટી બસ ડેપોમાં પહોંચી હતી જ્યાં એસટી બસની બહાર સાઈડ કાચ અને પતરા પણ તૂટી ગયેલા જોવા મળ્યા હતા. કેટલીક બસોના લોક પણ તૂટી ગયેલાં હતાં. આવી સ્થિતિમાં એસટી વિભાગે 20થી 25 ટકા જેટલો વધારો કરતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પહેલા પ્રજાને સુવિધા આપો, પછી ભાડું વધારો
મુસાફર જે.એસ. પુરોહિતે જણાવ્યું હતું કે, મારે ડાકોર જવું છે અને હું પોણો કલાકથી બસ સ્ટેન્ડમાં ઊભો છું, પરંતુ હજી સુધી બસ મળી નથી. આવા સમયમાં એસટી વિભાગ ભાડામાં વધારો કરે તે યોગ્ય નથી. બસોમાં સીટો અને કાચ પણ તૂટેલાં હોય છે. પહેલા પ્રજાને સુવિધા આપો અને પછી ભાડું વધારવું જોઈએ. જેટલું ભાડું વધે છે, તે પ્રમાણે સુવિધાઓ મળતી નથી.
એસટીની બધી બસો ખખડધજ હાલતમાં છે
અન્ય એક મુસાફર દીપકભાઈએ જણાવ્યું હતું કે, એસટીની બધી બસો ખખડધજ હાલતમાં છે. બસોમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી. મારે ડાકોર જવું છે પણ બસ મળતી નથી. એસટી વિભાગ એ ભાડામાં વધારો કર્યો તે યોગ્ય નથી. આ ભાડાવધારો પાછો ખેંચવો જોઈએ તેવી અમારી માગણી છે.
રાજ્યમાં રોજ 10 લાખ લોકો એસટી બસમાં મુસાફરી કરે છે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ચલાવતી બસ સેવાનાં ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. 2014 બાદ પહેલીવાર ભાડામાં વધારો કરાયો હોવાનો નિગમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ લાગુ થનારાં ભાડાંમાં 48 કિમી સુધી રૂ. 1થી લઈને 6 રૂપિયા સુધીનો વધારો થશે. રાજ્યમાં રોજ 10 લાખ લોકો બસની મુસાફરી કરતા હોય છે. આજે મધરાતથી એસટી બસ ભાડાંનો વધારો લાગુ પડશે. 48 કિમીથી વધુની મુસાફરી કરનાર મુસાફરોને 20 ટકા સુધી વધુ ભાડું ચૂકવવું પડશે.