Operation Ajay: ઈઝરાયેલમાં ફસાયેલા 212 ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવ્યા

By: nationgujarat
13 Oct, 2023

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં ઘણા દેશોના નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. આ બધાની વચ્ચે ભારતે ઈઝરાયેલથી પોતાના નાગરિકોની સુરક્ષિત વાપસી માટે ઓપરેશન અજય શરૂ કર્યું છે. આ શ્રેણીમાં, ઇઝરાયેલથી 212 ભારતીય નાગરિકોની પ્રથમ બેચ આજે સવારે ફ્લાઇટ AI1140 દ્વારા નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી.આ સમય દરમિયાન કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ઇઝરાયેલથી પોતાના દેશમાં પરત ફરેલા મુસાફરોના સ્વાગત માટે એરપોર્ટ પર હાજર હતા.ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે દેશ છોડવા માંગતા 212 ભારતીયોને લઇને પ્રથમ ચાર્ટર ફ્લાઇટ ગુરુવારે બેન ગુરિયન એરપોર્ટ પરથી રવાના થઇ હતી

દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે અમારી સરકાર કોઈ પણ ભારતીયને ક્યારેય પાછળ નહીં છોડે. અમારી સરકાર, અમારા વડાપ્રધાન તેમની સુરક્ષા કરવા અને તેમને સુરક્ષિત રીતે ઘરે પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. અમારા બાળકોને સુરક્ષિત રીતે ઘરે પરત લાવવા બદલ અમે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમની ટીમના આભારી છીએ.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે જો જરૂર પડશે તો એરફોર્સનો પણ ઉપયોગ કરવામાં આવશે, હાલ ચાર્ટર ફ્લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આજે સવારે લગભગ 212 લોકોને પરત લાવવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ઇઝરાયેલમાં રહેતા આપણા ભારતીય નાગરિકોને દૂતાવાસમાં જલ્દી રજીસ્ટ્રેશન કરાવવાની અપીલ કરીએ છીએ.મળતી માહિતી મુજબ ઈઝરાયેલમાં લગભગ 18000 ભારતીયો છે. તેમાં વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે હજુ સુધી કોઈ ભારતીય જાનહાનિના સમાચાર નથી. અમે ઘાયલ થયેલા એક વ્યક્તિના સંપર્કમાં છીએ, હાલમાં તે હોસ્પિટલમાં છે.


Related Posts