રાજસ્થાનમાં પરિવર્તનની પરંપરા જળવાઈ રહી:’મોદીની ગેરંટી’ ટેગલાઈન પર જનતાએ વિશ્વાસ બતાવ્યો

By: nationgujarat
03 Dec, 2023

ગુજરાતની સરહદને અડીને આવેલા રાજસ્થાનમાં દર પાંચ વર્ષે ચૂંટણી થાય ત્યારે સરકાર બદલાય છે. એક ટર્મ કોંગ્રેસ, બીજી ટર્મ ભાજપ. આ વખતે કાંટે કી ટક્કર લાગતી હતી પણ રાજસ્થાનની સમજુ જનતાએ પરંપરા જાળવી રાખી છે અને પરિવર્તનની પરંપરા જળવાઈ રહી છે. રાજસ્થાનમાં બપોર સુધીના ટ્રેન્ડમાં કોંગ્રેસને જાકારો મળ્યો છે અને ભાજપ બહુમત તરફ આગળ છે. રાજસ્થાનમાં મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના સ્ટાર પ્રચારકોએ સભા કરી હતી અને ભાજપે 9 રોડ શો કર્યા હતા. જ્યારે કોંગ્રેસે એકપણ રોડ શો કર્યો નહોતો. અત્યારના રુઝાન જોતાં રાજસ્થાનમાં ભાજપની સરકાર બની રહી છે પણ મુખ્યમંત્રીનો ચહેરો કોણ બનશે તેના પર અનુમાનો થવા લાગ્યા છે.

રાજસ્થાનમાં નરેન્દ્ર મોદીએ બે રોડ શો કર્યો અને 15 જેટલી સભા ગજવી. ત્યાં લાલ ડાયરીથી લઈ રાજસ્થાનની સરકાર પર તમામ મુદ્દે પ્રહાર કર્યા હતા. જેમાં ગેહલોત સીએમ બનશે નહીં અને ‘મોદીની ગેરંટી’ આ બે ટેગલાઈન આપી હતી તે અસરકારક રહી. મોદીએ મોટાભાગની સભામાં એવું કહ્યું કે, કમળનું બટન એવી રીતે દબાવજો કે કોંગ્રેસને ફાંસી આપતા હોવ. આ વાતની પણ અસર થઈ. ભાજપના કાર્યકરોએ ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું તે પણ રાજસ્થાનની જનતામાં અસરકારક રહ્યું.

ભાજપના ત્રણ મોટા સ્ટાર પ્રચારકો પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કુલ 28 દિવસમાં 45 સભાઓ અને રોડ શો કર્યા. કોંગ્રેસ જ્યાં મજબૂત સ્થિતિમાં હતી ત્યાં મોદી ગયા અને કોંગ્રેસની મફત યોજનાઓ અને 7 ગેરંટીને કાઉન્ટર કર્યા અને પંચ લાઈન આપી – આ મોદીની ગેરંટી છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી, રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કુલ 28 જાહેર સભાઓને સંબોધી હતી. રાહુલ ગાંધી પીએમ મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર પ્રહારો કરી રહ્યા હતા. ચૂંટણીના માહોલમાં ED-ITના દરોડા પર ભાજપે ઘેરી લીધું.

પીએમ મોદીએ રામનવમીની શોભાયાત્રા અને કાવડ યાત્રા પર કલમ ​​144 લાગુ કરવાને લઈને કોંગ્રેસ સરકાર પર પણ ઉગ્ર નિશાન સાધ્યું હતું. તો અમિત શાહનાં ભાષણોથી એવું લાગી રહ્યું હતું કે આગામી સામાન્ય ચૂંટણીમાં ભાજપનો મુખ્ય એજન્ડા અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થવાનો છે. તેમણે ચૂંટણી સભામાં રાજ્યના લોકોને એક પછી એક રામમંદિરનાં દર્શને લઈ જવાની વાત પણ કરી હતી. નડ્ડાએ અશોક ગેહલોત સરકારના કાર્યકાળ પર નિશાન સાધ્યું.


Related Posts

Load more