સુરતના વરાછા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ 2016માં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 20થી વધુ લોકોનાં મોત થયા બાદ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2017માં પ્રોહિબિશન કાયદામાં કડક સુધારા વિધેયક લાવીને તેનું સઘન અમલીકરણ કરવા અને મોટા કેસોમાં કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગને તાકીદ કરી હતી.જેમાં 10 વર્ષ સુધીની જેલની સજા અને રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં રૂ.5 લાખથી વધુના દારૂના કેસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં 50 જેટલા ખાસ સરકારી વકીલોની નિમણૂક કરવામાં આવી હતી.જેમાં આજદિન સુધી એકપણ કેસમાં સજા થઈ નથી.
બીજી તરફ 25 જેટલા ખાસ સરકારી વકીલોએ એક પછી એક રાજીનામાં આપી દીધાં હોવાનું જાણવા મળે છે.બીજી તરફ મોટાભાગના દારૂ પીવાના કેસોમાં પ્રથમ કેસ હોવાનું કોર્ટને કહીને રૂ.200 થી 500નો દંડ ભરીને દારૂડિયાઓ છટકી જાય છે.ગુજરાત સરકારે પ્રોહિબિશન કાયદામાં કડક સુધારા કરીને મોટા પ્રમાણમાં ખાસ કરીને રૂ.5 લાખ કે તેથી વધુ કિંમતના અથવા મોટા સિન્ડિકેટ અને સંગઠિત ગુનાઓ સાથે જોડાયેલા દારૂના કેસો માટે વિશેષ જોગવાઈઓ કરી હતી.આ ગંભીર કેસોમાં આરોપીઓને સખત સજા અપાવવા અને પ્રોસિક્યુશન પક્ષને મજબૂત કરવા માટે સરકાર દ્વારા અદાલતોમાં 50 જેટલા ખાસ સરકારી વકીલોની નિયુક્તિ કરવામાં આવી હતી.
કાનૂની વર્તુળોમાં ચર્ચા મુજબ,નિમણૂક પામેલા ઘણા વકીલોએ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપી દીધાં હતાં.જેમાં સરકારી કામગીરી સામે મળતું માનદ વેતન અથવા વ્યાવસાયિક ફી અપેક્ષિત ન હોવાથી વકીલોએ રસ દાખવવાનું બંધ કર્યું.હાઈ-પ્રોફાઈલ કેસોમાં પૂરતા પુરાવાઓ અથવા પોલીસતંત્ર તરફથી જોઈતો સમન્વય ન મળવાના કારણે કેસો લડવામાં આવતી મુશ્કેલીઓ, ખાનગી પ્રેક્ટિસ કરતા સિનિયર વકીલો માટે સરકારી શરતો અને નિયમો હેઠળ લાંબો સમય ફાળવવો મુશ્કેલ બન્યો હતો.નવા અને કડક કાયદાઓ બન્યા હોવા છતાં અદાલતોમાં કેસો સાબિત થવા મુશ્કેલ બન્યા હતા.મોટાભાગના કેસોમાં એફએસએલ રિપોર્ટ સમયસર ન મળવા,પંચો કે સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ જવા તેમજ પોલીસ તપાસમાં રહી જતી છટકબારીઓના કારણે આરોપીઓ કાનૂની લાભ મેળવીને નિર્દોષ છૂટી જતા હોય છે.કાયદાની કડક જોગવાઈઓ હોવા છતાં અદાલતી સ્તરે અપેક્ષિત કન્વિક્શન રેટના પ્રમાણમાં વ્યાપક પડકારો જોવા મળ્યા છે, જેને લઈને અગાઉ વિપક્ષ અને કાનૂની સમીક્ષકો દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.