ટામેટા બાદ હવે ડુંગળી રડાવશે, તહેવારોના સમયમાં ડુંગળીના ભાવમાં થયો વધારો

By: nationgujarat
07 Aug, 2023

Onion Price Hike: ટામેટા બાદ હવે ડુંગળી સામાન્ય લોકોને રડાવશે. કહેવાય છે કે, ડુંગળીના ભાવમાં વધારો થવાનો છે. હાલમાં હોલસેલ માર્કેટમાં ડુંગળીનાં ભાવ રૂ. 16 થી 22 રૂ. પ્રતિકીલો બોલાઈ રહ્યા છે. એક સપ્તાહ પહેલા હોલસેલમાં પ્રતિકીલો 16 થી 17 પ્રતિકિલો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ વધારો શરૂ થયો છે. છેલ્લા આઠ દિવસથી ડુંગળીના ભાવમાં એક મણ ના 80 થી 100 રૂપિયા જેવો વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનામાં ડુંગળીના ભાવ આસમાને પહોંચે તેવી શક્યતાઓ છે. યાર્ડમાં જથ્થાબંધ ડુંગળીના 300 થી 400 રૂપિયા મણના પહોંચ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બેથી અઢી હજાર કટાની આવક છે. ઓછી આવકના પગલે સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તો ડુંગળીના છૂટક એક કિલો ના ભાવ 25 થી 30 રૂપિયા એ પહોંચ્યા છે.

ડુંગળીના ભાવમાં વધારાના અનેક કારણો છે જેમાં મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ, કર્ણાટક રાજ્યમાં વરસાદી અસરના કારણે ભાવ વધારો મુખ્ય છે. મહારાષ્ટ્રમાં વરસાદી માહોલમાં ડુંગળીનો સ્ટોક બગડ્યો હોવાથી આવક ઘટી છે. જ્યારે કર્ણાટકમાં વરસાદના અભાવે 40 % જ પાક લેવાયો છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વરસાદી ફેક્ટર અસર કરતા ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવાળી સુધી ડુંગળીના ભાવમાં વધારો રહે તેવું વેપારીઓનું અનુમાન છે.

ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સ રિપોર્ટ અનુસાર, “માગ-પુરવઠાના અસંતુલનની અસર ઓગસ્ટના અંત સુધીમાં ડુંગળીના ભાવમાં જોવા મળે તેવી અપેક્ષા છે. અમારી જમીની વાતચીત મુજબ, સપ્ટેમ્બરની શરૂઆતથી રિટેલ માર્કેટમાં ભાવ વધવાની ધારણા છે, જે પ્રતિ કિલો રૂ. 60-70ને સ્પર્શશે. જો કે, કિંમતો 2020 ની ઊંચી સપાટીથી નીચે રહેશે.

રવિ ડુંગળીની શેલ્ફ લાઇફમાં 1-2 મહિનાનો ઘટાડો અને આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ગભરાટના વેચાણને કારણે, ઓપન માર્કેટમાં રવિ સ્ટોકમાં સપ્ટેમ્બરના બદલે ઓગસ્ટના અંત સુધીમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે. જેના કારણે વપરાશમાં ઘટાડો થયો છે.

ઓક્ટોબરમાં દર સ્થિર રહેશે, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરથી ખરીફના આગમન પછી, ડુંગળીનો પુરવઠો સરળતાથી શરૂ થશે, જેના કારણે ભાવમાં નરમાઈ આવશે. તહેવારોના મહિનામાં (ઓક્ટોબર-ડિસેમ્બર) ભાવમાં સ્થિરતા આવવાની ધારણા છે, એમ અહેવાલમાં જણાવાયું છે. આ વર્ષે જાન્યુઆરી-મેના સમયગાળા દરમિયાન ડુંગળીના ભાવમાં ઘટાડો થવાથી ગ્રાહકોને થોડી રાહત મળી છે જેઓ મોંઘા ભાવે અનાજ, કઠોળ અને અન્ય શાકભાજી ખરીદતા હતા. જો કે, આનાથી ડુંગળીના ખેડૂતોને નુકસાન થયું હતું અને વાવણીને પણ અસર થઈ હતી.

ખરીફ સિઝનમાં ઓછા ઉત્પાદન અંગેના અહેવાલમાં જણાવાયું છે કે, “અમે આ વર્ષે વાવેતર વિસ્તાર 8 ટકા અને ખરીફ ઉત્પાદનમાં 5 ટકા ઘટાડો થવાની અપેક્ષા રાખીએ છીએ. વાર્ષિક ઉત્પાદન 29 મિલિયન ટન (MMT) થવાની ધારણા છે, જે છેલ્લા પાંચ વર્ષની સરેરાશ (2018-2022) કરતાં 7 ટકા વધુ છે


Related Posts